સુરતનાં સરથાણા વિસ્તારમાં આવેલા ખડસદ રોડ પર નવા રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી કારમાં સવાર ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અકસ્માત અંગે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, સુરતમાં નવો રિંગ રોડ બની રહ્યો છે, જેમાં સરથાણા ખડસદ રોડ પર, ચાર રસ્તા પર બે લક્ઝુરિયસ કાર ધડાકાભેર અથડાઈ હતી. અર્ટિગા કાર અને હેરિયર કાર ધડાકાભેર અથડાતાં બંનેમાં સવાર લોકોને ભારે ઈજાઓ પહોંચી હતી.
જેથી તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. એમાંથી બે વ્યક્તિનાં ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું હતા. અકસ્માત અંગે જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં, જેમણે 108 એમ્બ્યુલન્સ મારફત લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. બાદમાં ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને પતરાં કાપીને લોકોને બહાર કાઢ્યા હતા. લક્ઝુરિયસ ગણાતી બંને કારમાં લોકો સવાર હતા, પરંતુ બંનેની સ્પીડ વધુ હોવાથી ધડાકાભેર અથડાયા બાદ એમાં સવાર લોકોને ઈજાઓ પહોંચી હતી. કારનો કડૂસલો વળી ગયો હતો. બંને કારનાં પતરાં કાપવાની ફરજ પડી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500