સુરતનાં કામરેજ તાલુકાનાં ધોરણ પારડી ગામે બંધન બેંકની ઉઘરાણી કરી કીમ તરફથી આવી રહેલા યુવકને પાછળથી માથામાં લોખંડનો પાઇપ મારી 80 હજાર રોકડા મળી કુલ રૂપિયા 86,500/-ની લૂંટ કરનાર ચાર આરોપીને કામરેજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાનાં વાવ ગામે શ્રીજી રો-હાઉસમાં રહેતા શંકરભાઈ રઘુનાથ સૌંદાને (ઉ.વ.22) નાને બંધન બેંકની કામરેજ શાખામાં રિલેશનશીપ ઓફિસર તરીકે નોકરી કરે છે. જોકે ગત તા.22 જૂનના રોજ તે સ્કૂટર પર લોનની ઉઘરાણી માટે કીમ ગયો હતો.
તેમજ બપોરનાં 2 વાગ્યે ત્યાંથી પરત કામરેજ આવી રહ્યો હતો. તે સમયે ધોરણ પારડી ગામની સીમામાં નેશનલ હાઇવે નંબર-48 પર ટ્રાફિક વધુ હોય તે સ્કૂટર ધીમેથી ચલાવી રહ્યો હતો ત્યારે પાછળથી કોઈએ તેને માથાના ભાગે સપાટો મારી દીધો હતો અને ઉઘરાણીનાં 80 હજાર રૂપિયા રોકડા ભરેલ બેગ, 5 હજારની કિંમતનું ટેબલેટ અને ફિંગરપ્રિન્ટ સ્કેનર મશીન કિંમત રૂપિયા 1500 મળી કુલ 86,500/-ની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. બનવા અંગે યુવકે કામરેજ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે જે તે સમયે લૂંટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
જોકે પોલીસે તપાસ કરતા કામરેજ તા.7મી જુલાઈ ગુરુવારનાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉપરોક્ત લૂંટ કરનાર શખ્સો રિક્ષા તેમજ ગુનામાં ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ લઈને રાજ હોટલ પાસે ઊભા છે. જે બાતમીનાં આધારે પોલીસે ત્યાંથી ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ટેબલેટ કિંમત રૂપિયા 5 હજાર, મોટરસાયકલ કિંમત રૂપિયા 25 હજાર, રોકડા રૂપિયા 1500, રિક્ષા કિંમત રૂપિયા 75 હજાર, 3 નંગ મોબાઇલ ફોન કિંમત રૂપિયા 7 હજાર 500 મળી કુલ 1 લાખ 14 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે પકડી ઝડપી પાડેલ ચાર આરોપીઓ
1.શિવાભાઈ મુનિમગિરિ ગોસ્વામી (રહે.પિપોદ્રા GIDC, મૂળ રહે.ઉત્તરપ્રદેશ),
2.ફરીદખાન ઈકરામખાન પઠાણ (રહે.આશિયાના નગર, કીમ, મૂળ રહે.ઉત્તરપ્રદેશ),
3.રિઝવાન ઉસમાન મલેક (રહે.રોયલપાર્ક સોસાયટી, કીમ, મૂળ રહે.દેગામ, ભરુચ) અને
4.રામરતન ઉર્ફ બબ્બુ ઇન્દ્રભાન પટેલ (રહે.નવા પાલોદ, એકતા નગર, કીમ, મૂળ રહે.મધ્યપ્રદેશ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500