સુરત શહેરનાં અડાજણ વિસ્તારમાં આવેલ એલ.પી. સવાણી સ્કૂલ નજીક સોમેશ્વરા સોસાયટીમાં રહેતા અદાણી કંપનીનાં આસીસ્ટન્ટ મેનેજરે માનસિક બિમાર પત્નીનાં રોજબરોજનાં ઝઘડાથી કંટાળી ગળે ટુંપો આપી હત્યા કર્યા બાદ આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગળા પર ઘસરકાનાં નિશાન અને ફોરેન્સિક PMમાં હત્યા થઇ હોવાનું બહાર આવતા પોલીસે પતિની ધરપકડ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અડાજણ એલ.પી. સવાણી સ્કૂલ નજીક CNG સ્ટેશનની પાછળ સોમેશ્વરા સોસાયટીમાં રહેતા અને હજીરા સ્થિત અદાણી કંપનીમાં મેઇન્ટેન્સ ડિપાર્ટમેન્ટમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા દિનેશ સોમા પટેલ (મૂળ રહે.શામળા ગામ, તા.લુણાવાડા, જિ.મહીસાગર) નાની પત્ની ગત બપોરે એલ.પી. સવાણી સ્કૂલમાં પ્રિન્સીપાલને મળવા ગઇ હતી.
જયાંથી પરત આવ્યા બાદ ઘરનું કામકાજ પતાવ્યા બાદ ઘરના હોલમાં સુઇ ગઇ હતી. મોડી સાંજ સુધી નહીં ઉઠતા દિનેશે ચાદર ખેંચી અને બુમ પાડી ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શરીર ઠંડુ પડી ગયું હોવાથી દિનેશે તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સનાં સ્ટાફે વૈશાલીબેનને મૃત જાહેર કરી હતી અને તેના ગળાના ભાગે ઘસરકાનાં નિશાન હોવાથી અડાજણ પોલીસને જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વૈશાલીબેનનાં મૃતદેહનો નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
જેમાં વૈશાલીબેનનું મોત ગળું દબાવવાથી શ્વાસ રૂંધાવાને કારણે થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જેથી પોલીસે પતિ દિનેશભાઈની પૂછપરછ કરતા શરૂઆતમાં ગોળ ગોળ ફેરવી હતી. પરંતુ આકરી પૂછપરછમાં દિનેશભાઈએ કબૂલાત કરી હતી કે વૈશાલી છેલ્લા ત્રણેક વર્ષથી માનસિક બિમાર હતી અને રોજબરોજ ઝઘડા કરતી હતી.
પડોશીઓ સાથે પણ ઝઘડા કરતી હતી અને છુટાછેડા આપવાનો અને અલગ રહેવાનો પણ ઇન્કાર કરતી હતી. જેથી ગત બપોરે પુત્રીની સ્કૂલમાં જઇ પ્રિન્સીપાલ સાથે પણ ઝઘડો કર્યો હતો. સ્કૂલેથી પરત આવ્યા બાદ દિનેશ સાથે પણ ઝઘડો કર્યો હતો અને છુટો દસ્તો માર્યો હતો. જેમાં દિનેશને સામાન્ય ઇજા થતા બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી અને દુપટ્ટા વડે ગળુ દબાવી મોતને ઘાત ઉતારી હતી. ત્યારબાદ ઝેરી દવાની બોટલ તેની નજીક મુકી આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે સ્કૂલમાં પ્રિન્સીપાલ સાથે ઝઘડો કરી પરત આવેલી વૈશાલીએ પતિ દિનેશ સાથે પણ ઝઘડો કર્યો હતો. વૈશાલીબેનએ છુટો દસ્તો મારતા દિનેશભાઈ સાથે ઝપાઝપી થતા ગળે ટૂંપો આપી દીધો હતો. ત્યારબાદ દિનેશભાઈએ ઝેરી દવાની બોટલ વૈશાલીબેનની પાસે મુકી દીધી હતી. પુત્રી સ્કૂલેથી પરત આવી ત્યારે તેને પણ ગંધ આવવા દીધી ન હતી પરંતુ છેક આઠ વાગ્યે વૈશાલીને ઉઠાડવાનો ઢોંગ પણ કર્યો હતો. પોલીસે દિનેશની પૂછપરછ કરતા બપોરે તેઓ હોટલમાં જમવા ગયા હોવાનું અને તેણીએ આપઘાત કર્યાનું રટણ કરી ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application