સુરતનાં બારડોલી તાલુકાનાં ગુરુનગરમાં આવેલા ગોડ ગિફ્ટ એપાર્ટમેન્ટમાં 20 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે પરિણીતાનાં પતિ અને સાસુ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં તેન ગામે નવા ફળિયામાં રહેતા મુકેશભાઈ નાનુભાઈ રાઠોડની પુત્રી ધ્રુવી (ઉ.વ.20) એ ગત તા.1/4/2022નાં રોજ બારડોલીનાં અસ્તાનની સિદ્ધિ વિનાયક રેસિડેન્સીમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લાના ઘસોલી ગામે રહેતા વિશાલ રવિન્દ્રભાઈ શર્મા સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા.
જોકે સાસરીમાં એકાદ માસ રહ્યા બાદ ધ્રુવી અને તેનો પતિ વિશાલ બારડોલીનાં ગુરુનગરમાં આવેલા ગોડ ગિફ્ટ એપાર્ટમેંટમાં ભાડેથી રહેવા માટે આવી ગયા હતા. તે દરમિયાન ગુરુવારે સાંજે ધ્રુવી તેના એપાર્ટમેન્ટમાં એકલી જ હોય પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. જયારે ધ્રુવીનો ફોન નહીં લાગતાં તેન ખાતે રહેતી તેની માતાએ પુત્ર વિવેકને જોવા માટે મોકલ્યો હતો. જ્યાં એપાર્ટમેન્ટમાં ધ્રુવીની લાશ પંખા સાથે લટકતી જોવા મળી હતી. ઘટનાની જાણ તથા જ બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહ ઉતારી આગળની તપાસ હાથ ધરી હતી.
સમગ્ર ઘટના અંગે મૃતક ધ્રુવીની માતાએ તેના પતિ વિશાલ અને સાસુ સીમાદેવી રવિન્દ્ર શર્માને જવાબદાર ઠેરવ્યા હતા અને તેમના દ્વારા થતી હેરાન ગતિને કારણે જ ધ્રુવીએ આત્મહત્યા કરી હોવાના આરોપ લગાવ્યા હતા. ધ્રુવીની માતા જ્યોત્સનાબેને આપેલી ફરિયાદ મુજબ લગ્ન પછી વિશાલ અને તેની માતા સીમા દેવી ધ્રુવીને હેરાન કરતાં હતા.
જયારે માતા સાથે ફોન પર વાત પણ કરવા દેતાં ન હતા અને ત્રણ વખત ફોન તોડી નાખી તેની સાથે મારઝૂડ કરતાં હતા. આ ઉપરાંત ધાર્મિક વિધિ કરવા માટે ભુવાને પણ બોલાવતા હોય તેમના શારીરિક અને માનસિક ત્રાસથી તે કંટાળી ગઈ હતી અને આથી જ તેણે આત્મહત્યા કરી હોવાની ફરિયાદ કરતાં પોલીસે વિશાલ રવિન્દ્ર શર્મા અને સીમાદેવી શર્મા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500