બારડોલીનાં ગુરુનગર વિસ્તારમાં રહેતાં એક પરપ્રાંતીય ઈસમે સ્થાનિક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ યુવક અને તેની માતાએ યુવતીને શારીરીક અને માનસિક ત્રાસ આપતાં આખરે યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બનાવ અંગે બારડોલી પોલીસ મથકે યુવક અને તેની માતા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી નજીક તેન ગામે રહેતાં જ્યોત્સ્ના બહેન રાઠોડ મજૂરી કરી જીવન ગુજરાન ચલાવે છે. જોકે ગત થોડા સમય પહેલાં તેમની દીકરી ધ્રુવી રાઠોડ (ઉ.વ.20) નાને નજીકમાં જ રહેતાં અને મૂળ મેરઠ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ગુરુનગર ગોડ ગિફ્ટ એપાર્ટમેન્ટમાં રહેતાં વિશાલ રવીન્દ્ર શર્મા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતાં. ત્યારબાદ તેમણે લવ મેરેજ કર્યા બાદ મેરેજ રજિસ્ટર કરાવ્યાં હતા.
જોકે પ્રેમ લગ્ન બાદ ધ્રુવી પતિ સાથે સાસરીમાં રહેવા ગઈ હતી પરંતુ એકાદ માસ પછી સાસુ સીમા દેવી રવીન્દ્ર શર્માએ પોતાની વહુ ધ્રુવીને માનસિક ત્રાસ આપવા માંડ્યો હતો અને અવાર નવાર ઝગડો કરવા માંડ્યો હતો. તે પછી સાસુએ દંપતીને ઘરમાંથી કાઢી મુક્તા તેઓ ભાડાના ઘરમાં રહેવા આવી ગયા હતાં.
ત્યારબાદ પણ સીમા દેવીએ પોતાના દીકરાને વહુ વિરુદ્ધ ચઢામણી કરતાં રહેતા હતા અને જેથી વિશાલ અને સીમા દેવી બંને ભેગા મળી ધ્રુવીને મારઝૂડ કરતા હતાં. આખરે પતિ અને સાસુના માનસિક અને શારીરીક ત્રાસને કારણે કંટાળી ગયેલા ધ્રુવી બહેને ગુરુવારે સાંજ પછી કોઈ પણ સમયે ઘરમાં રહેલ પંખા સાથે ઓઢણી બાંધી તેના વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું. બનાવ અંગે જ્યોત્સબેનનાં પોતાના જમાઈ અને આરોપી એવાં વિશાલ રવીન્દ્ર શર્મા અને સીમાદેવી રવીન્દ્ર શર્મા સામે બારડોલી પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500