Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો અને બે મોટરસાયકલ વચ્ચેનાં અકસ્માતમાં પિતા-પુત્રનું ઘટના સ્થળે મોત

  • June 27, 2022 

મહુવા બારડોલી સ્ટેટ હાઈવે પર બીડ ગામની સીમમાં ટેમ્પાનાં ચાલકે બે મોટરસાયકલને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો.  આ અકસ્માતમાં મોટરસાયકલ પર ઘરે પરત જતા કોષ ગામના પિતા-પુત્ર ગંભીર રીતે ઘવાતા તેમનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ, જ્યારે અન્ય મોટરસાયકલ પર સવાર બે યુવાનનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહુવા તાલુકાનાં કોષ ગામે દેસાઈ ફળિયામાં રહેતા જીતેન્દ્ર નટવરસિંહ દેસાઈ ગતરોજ પોતાની મોટરસાયકલ નંબર GJ/05/KA/2999 લઈ પિતા નટવરસિંહ માનસિંહ દેસાઈને બતાવવા માટે સુરત ખાતે આવેલ વેદાંત હોસ્પિટલમાં ગયા હતા. જ્યાંથી સાંજે પરત ઘરે કોષ ગામે જઈ રહ્યા હતા.




તે દરમિયાન મહુવા બારડોલી સ્ટેટ હાઈવે પર આંટીયા ફળિયાના પાટીયા નજીક વરસતા વરસાદમા બીડ ગામની સીમમાં એક ટેમ્પો નંબર GJ/26/T/7654નાં ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પાછળથી નટવરસિંહ દેસાઈની મોટરસાયકલ અને અન્ય એક મોટરસાયકલ GJ/21/BJ/1085 ને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જ્યો હતો.




જોકે આ ટ્રીપલ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર પિતા-પુત્ર જીતેન્દ્રસિંહ દેસાઈ અને નટવરસિંહ દેસાઈનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ, જ્યારે અન્ય મોટરસાયકલ પર સવાર બે યુવાનનો ચમત્કારીક બચાવ થયો હતો. જયારે અકસ્માત સર્જાયા બાદ ટેમ્પો રોડની સાઈડે ઉતરી ગયો હતો અને ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.




બનાવ અંગે મહુવા પોલીસને જાણ થતા ત્વરિત ઘટના સ્થળે આવી લાશનો કબ્જો લઈ અકસ્માત સર્જનાર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં યુવાન પુત્ર અને પિતાનું અવસાન થતા પરિવારજનો અને ગ્રામજનોમા શોકનો માહોલ છવાઈ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application