Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : બનાવટી ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ, પોલીસે રૂપિયા 14.37 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

  • November 09, 2022 

સુરતનાં ઓલપાડ તાલુકાનાં કુડસદ ગામેથી પોલીસે તબેલાની આડમાં બનાવટી ઘી બનાવતી ફેકટરી ઝડપી પાડી હતી અને બનાવટી ઘીમાં પામોલીન તેલનું ભેળસેળ કરીને કામધેનુ શુદ્ધ ઘીના નામથી પેકિંગ કરીને વેચાણ થતું હતું. જોકે જેનો પર્દાફાશ કરી પોલીસે રૂપિયા 14.37 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી અનુસાર, કીમ પોલીસ મથકનાં પી.એસ.આઈ.ની ટીમને બાતમી મળી હતી કે, કુડસદ ગામની સીમમાં ભાથીજી મંદિરની સામે આવેલી જગ્યામાં મેહુલ ગોપાળભાઈ પટેલ નામનો ઇસમ તબેલાની આડમાં બનાવેલી ફેકટરીમાં બનાવટી ઘી બનાવી તેનું પેકિંગ કરી વેચાણ કરી રહ્યો છે.

જે બાતમીનાં આધારે કીમ પોલીસે રેડ કરી હતી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગનાં અધિકારીને જાણ કરી તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં ફેક્ટરીનો માલિક મેહુલ પટેલ માર્કેટમાંથી જથ્થાબંધ વનસ્પતિ ઘી તૈયાર લાવતો હતો અને તે વનસ્પતિ ઘીમાં પોતાની ગૌ શાળામાં બનતા માખણમાંથી તૈયાર થયેલા ઘી અને તેની સાથે પામોલીન તેલ ઉમેરતો હતો. ત્યારબાદ ઘી ચોખ્ખું દેખાઈ તે માટે કલર ઉમેરી તેને ગરમ કરી પ્લાસ્ટિકનાં ડબ્બામાં પેક કરતો હતો. જે ડબ્બા પર કામધેનુ ડેરી ફાર્મ શુદ્ધ દેશી ઘીના સ્ટીકરનું પેકિંગ કરી માર્કેટમાં વેચાણ કરતો હતો. જે બનાવેલા બનાવટી ઘીના અલગ અલગ નમૂનાઓ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


જયારે સ્થળ પરથી કબ્જે કરેલ મુદ્દામાલમાં 1 કિલો વાળી પ્લાસ્ટિકની દેશી ઘી ભરેલી બોટલો નંગ-1072 જેની કિંમત રૂપિયા 12,97,120/- અને સુમન ગોલ્ડ રિફાઇન્ડ પામોલીન ઓઇલ તેલના ડબ્બા નંગ 17 જેની કિંમત રૂપિયા 34,000/- તથા સ્ટીકર વગરના 11 પામોલીન તેલના ડબ્બા જેની કિંમત રૂપિયા 22,000/- તેમજ સુમન પ્રીમિયમ બ્રિડ રિફાઇન્ડ પામોલીન તેલનાં 32 બોક્સ જેની કિંમત રૂપિયા 30,000/- તેમજ ગેસનાં બાટલા, તપેલા, કેન, ઇલેક્ટ્રિક મશીન તેમજ બરણી મળી કુલ રૂપિયા 14,37,970 /-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application