સુરતનાં માંગરોળ તાલુકાનાં ધામડોદ ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલ ટેન્કર સાથે એક ઇસમની અટકાયત કરી ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં કોઈપણ જગ્યાએ ગેરકાયદેસર પ્રોહી. અને જુગારની પ્રવૃત્તિ ન થાય તે માટે સુરત ગ્રામ્ય પોલીસ વડાએ સુરત ગ્રામ્ય એલ.સી.બી. પી.આઇ.,ને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.
જેને પગલે સુરત ગ્રામ્ય એલ.સી.બી.ના પી.એસ.આઈ. તેમજ આઇ.એ. તેમજ એલ.સી.બી. ટીમના માણસોએ પેટ્રોલિંગ હાથ ધરી બાતમીદારોને કામે લગાડી દીધા હતા. તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ટાટા કંપનીના ટેન્કર નંબર GJ/12/Z/3752ની અંદર વિદેશી દારૂનો જથ્થો છૂપાવી મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે 48 પરથી થઈને વડોદરા તરફ જનાર છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે માંગરોળ તાલુકાના ધામડોદ ગામની સીમમાં વોચ ગોઠવી દીધી હતી અને બાતમીવાળું ટેન્કર આવતા જ પોલીસે તેને અટકાવી ટેન્કર ચેક કરતા ટેન્કરમાં મોટી માત્રામાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
જેમાં પોલીસને 5,436 વિદેશી દારૂની બોટલો, ટાટા કંપનીનું ટેન્કર, મોબાઈલ, રોકડ મળી કુલ રૂપિયા 32.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેન્કર ચાલક ભગીરથ હરિરામ બિશ્નોયની ધરપકડ કરી હતી, જયારે પ્રકાશચંદ્ર બિસ્નોઈ, રામજી રંગાણી અને અજાણ્યા બે ઇસમોને પણ વોન્ટેડ જાહેર કરી એલ.સી.બી.ની ટીમે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500