સુરત જિલ્લાનાં માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. ડેમની કુલ સપાટી 115.80 મીટર છે. ડેમની આમલી સપાટી હાલ ભયજનક સપાટીની નજીક 111.40 મીટરે પહોંચી ગઈ છે. જેથી વહીવટી તંત્ર દ્વારા 23 ગામોને એલર્ટ કરાયાં છે.
સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસતા વરસાદને કારણે જિલ્લામાં આવેલા ડેમમાં પાણીની આવકમાં નોંધનીય વધારો થઈ રહ્યો છે. જિલ્લાના નદી, નાળા, ગામોમાં પાણી સાથે હવે ડેમ પ્રભાવિત થયા છે. સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના આમલી ડેમની સપાટી સતત વધી રહી છે. આમલી ડેમની કુલ સપાટી 115.80 મીટરની છે, ત્યારે હાલ માંડવી તાલુકામાં પણ ધોધમાર વરસાદ તેમજ ઉમરપાડા વિસ્તારમાંથી પાણીની આવક આવતા ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે.
જેને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પણ સાબદુ બન્યું છે. મધરાત્રે જ ડેમ પ્રભાવિત વિસ્તારના મોરીઠા, સાલૈયા, બુણધા, ગોંડસંબા, ખરોલી, ગોદાવાડી મળી કુલ 23 ગામને એલર્ટ પણ કરાયાં છે. સાથે જ પશુ પાલકોને ઢોર ચરાવવા તેમજ નજીકની નદીઓ તરફ અવર જવર નહીં કરવા સૂચન કરાયું છે.
આમલી ડેમના દરવાજા ખોલવાને કારણે વહીવટી તંત્ર પણ સાવધ થઈ ગયું છે. ડેમની આસપાસનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશી શકે તેવી પણ શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ હજી પણ વરસાદ થાય તેવી શક્યતા છે. આગામી દિવસોની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ પાણી ધીરે ધીરે છોડવાનું શરૂ કરી દીધું છે જેથી કરીને વધુ નુકસાન ન થાય.
હાલ આમલી ડેમની સ્થિતિની વાત કરી એ તો ડેમની કુલ સપાટી 115.80 મીટર છે તથા રૂલ લેવલ 113 મીટર છે અને હાલ સપાટી 111.40 મીટર છે. ડેમમાં હાલ 6 દરવાજા ખોલી દેવાયા છે અને ચાર હજારથી વધુ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને ઉપરવાસમાંથી પણ પાણીનો આવરો યથાવત રહ્યો છે. જેથી વધુ પ્રભાવિત થતા ગામોમાં અધિકારીઓને પણ સ્ટેન્ડબાય રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપી દેવાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500