સુરત શહેરનાં વરાછા લંબેહનુમાન રોડ કાળીદાસ નગરમાં રમતા રમતા ઘરના પાછળના ભાગમાં આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડતા બાળકનું ડૂબવાથી મોત નીપજ્યું હતું. ઘટના અંગે વરાછા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વરાછા લંબેહનુમાન રોડ ત્રીકમ નગર પાસે કાળીદાસ નગર ખાતે રહેતા મનોજભાઈ તિવારી હીરાના કારખાનામાં કામ કરે છે. જયારે બપોરે પાલિકાનો પાણીનો પુરવઠો આવતો હોવાથી તેમના પત્ની રૂમની પાછળ આવેલી અંડરગ્રાઉન્ડ ટાંકી ખોલી તેમાંથી રોજ પાણી ભરતા હતા.
જોકે ગતરોજ તેઓ રાબેતા મુંજબ પાણી ભરવા માટે પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણ ખોલીને પાણી ભરતા હતા. તે દરમિયાન તેમનો 1 વર્ષીય પુત્ર અનમોલ રમતા-રમતા ત્યાં પહોંચી ગયો હતો અને અકસ્માત પાણીની ટાંકીમાં પડી ગયો હતો. થોડો સમય બાદ અનમોલ ન દેખાતા તેમની પત્નીએ શોધોખોળ હાથ ધરી હતી.
તે દરમિયાન પાણીની ટાંકીમાં અનમોલ ડૂબેલી હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પરંતુ પરિવારને વિશ્વાસ ન થતા અનમોલને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં પણ તેને તબીબે મૃતજાહેર કરતા આખરે તેઓ સ્મીમેર હોસ્પિટલ પરત લઈ આવ્યા હતા. બનાવની જાણ થતા વરાછા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. ઘટના અંગે પોલીસે અક્સમાત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500