સુરત શહેરનાં નવાગામ ડીંડોલી બિલીયાનગર સ્થિત મોબાઈલ શોપનું શટર ઊંચું કરી મોબાઈલ ફોન, લેપટોપ અને રોકડ મળી કુલ રૂપિયા 1.12 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતનાં નવાગામ ડિંડોલી બાલજીનગર પ્લોટ નં.11,12માં રહેતો 27 વર્ષીય ક્રિષ્નાકુમાર ગણેશ શાહ નવાગામ ડીંડોલી બિલીયાનગર પ્લોટ નં.164માં ક્રિષ્નાજી કોમ્યુનિકેશનનાં નામે મોબાઈલ શોપ ધરાવે છે.
જોકે મંગળવારની રાત્રી દરમિયાન ત્રાટકેલા અજાણ્યા તસ્કરો તેની દુકાનનાં શટરનું તાળું એક તરફથી કાપી અને બીજા તરફનું ઉભા પાટામાંથી કાઢી શટર વચ્ચેથી ઊંચું કરી અંદર પ્રવેશ્યા હતા અને અલગ અલગ કંપનીનાં રૂપિયા 85,150/-ની મત્તાનાં 10 નંગ મોબાઈલ ફોન, રૂપિયા 12 હજારની કિંમતનું લેપટોપ અને દુકાનનાં ગલ્લામાંથી રોકડા રૂપિયા 15 હજાર મળી કુલ રૂપિયા 1,12,150/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે જાણ થતા ગત વહેલી સવારે દુકાને દોડી ગયેલા ક્રિષ્નાકુમારે પોલીસને જાણ કરતા લીંબાયત પોલીસે સ્થળ પર પહોંચી ક્રિષ્નાકુમારની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500