EDએ બુધવારે બિઝનેસમેન અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાની ૨૦૦૮ના હરિયાણા જમીન સોદાથી જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં સતત બીજા દિવસે પાંચ કલાક પૂછપરછ કરી હતી. એજન્સીએ આવતીકાલે પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. વાડ્રાએ ઇડીની કાર્યવાહીને રાજકારણથી પ્રેરિત ગણાવી હતી અને દાવો કર્યો હતો કે દેશના લોકો હવે તપાસ એજન્સીઓ પર વિશ્વાસ કરતા નથી. વાડ્રા સવારે ૧૧ વાગ્યે ઇડીની ઓફિસ પહોંચ્યા હતાં.
તેમને મૂકવા માટે તેમના પત્ની તથા લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધી પણ આવ્યા હતાં. રોબર્ટ વાડ્રા ઇડીની ઓફિસમાં જતા પહેલા પ્રિયંકા ગાંધીને ભેટયા હતાં પ્રિયંકા ગાંધી આ દરમિયાન એપીજી અબ્દુલ કલામ રોડ સ્થિત એજન્સીની ઓફિસ પ્રવર્તન ભવનના વિઝિટર્સ રૂમમાં રોકાયા હતાં. બપોરે ૧.૧૦ વાગ્યે જ્યારે તેમના પતિને બપોરના ભોજન માટે ઘર જવાની પરવાનગી આપવામાં આવી તો પ્રિયંકા તેમની સાથે ઘરે જતાં રહ્યાં હતાં. ૫૬ વર્ષીય વાડ્રા બપોરનું ભોજન પછી ફરી ઇડીની ઓફિસમાં પ્રવેશ્યા હતાં અને સાંજે ૬ વાગ્યે બહાર નીકળ્યા હતાં. તેમને આવતીકાલે ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. વાડ્રાએ જણાવ્યું છે કે, તે ગાંધી પરિવારનો હિસ્સો હોવાથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
જો તે ભાજપ સાથે સંકળાયેલા હોત તો પરિસ્થિતિ ભિન્ન હોત. આ દરમિયાન વાડ્રાએ આજે જણાવ્યું હતું કે, તે હવે કાર્યકર બની ગયા છે અને ટૂંક સમયમાં રાજકારણમાં જોડાશે કારણકે તે ૧૯૯૯થી લોકો સાથે કામ કરી રહ્યાં છે. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીસામે ઇડીએ ચાર્જશીટ દાખલ કરતા કોંગ્રેસે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ (એઆઇસીસી)ની બહાર દેખાવો કર્યા હતાં અને ભાજપ નેતૃત્ત્વવાળી કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. દેખાવો માટે એકત્ર થયેલા કોંગ્રેસ કાર્યકરોએ સોનિયાગાંધી ઝિંદાબાદ, રાહુલ ગાંધી ઝિંદાબાદ, તાનાશાહી નહી ચલેગી અને મોદી-શાહ જવાબ દો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500