Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યા પરથી ત્રણ બોગસ ડોકટર ઝડપાયા

  • April 18, 2025 

સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામે ઔધોગિક વિસ્તારમાં એસઓજીની ટીમે ત્રણ અલગ અલગ જગ્યાએ રેડ કરી ધોરણ-10 પાસ, ધોરણ-12 પાસ અને બી.એ સુધી અભ્યાસ કરનાર ત્રણ બોગસ ડોકટરને ઝડપી લીધા હતા. જ્યારે ઉમરપાડા પોલીસે ત્રણ રસ્તા પાસે નેચરોપેથી અને ઈલેક્ટ્રો હોમિયોપોથીનો અભ્યાસ કરી ડિગ્રી કે પ્રમાણપત્ર વિના દવાખાનુ ચલાવતા 51 વર્ષના પ્રૌઢને ઝડપી લીધો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે બાતમી આધારે ગંગાધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.સચીન પટેલને સાથે રાખીને તાંતીથૈયા ગામે સોની પાર્ક-01માં ઓમ ક્લિનિકમાં રેડ કરી હતી. અહી પ્રેકટીસ કરતા સૌરભ શ્યામલ બિસ્વાસ પાસે ડોકટરની કોઇ માન્ય ડિગ્રી નહોતી, બી.એસ સુધી અભ્યાસ કર્યો હતો.


વતનમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરી જુદા જુદા ક્લિનિકમાં બે વર્ષ સુધી નોકરીનો અનુભવ મેળવીને અહીં આવી છ માસથી ક્લિનિક ચલાવતો હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી મેડિકલના સાધનો તેમજ દવા મળી કુલ 9,802 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ ટીમે સોની પાર્ક-02માં ઓમ ક્લિનિકમાં રેડ કરી મિલન માખુમલાલ બિસ્વાસને ડોકટરી પ્રેકટીસ કરતા ઝડપ્યો હતો. તેણે ધો-10 સુધી અભ્યાસ કર્યો હતો. વતનમાં ક્લિનિક બે વર્ષ નોકરી કર્યા બાદ એક વર્ષથી અહી દવાખાનું ચલાવી લોકોને દવા આપતો હતો. પોલીસે તેની ધરપકડ કરી 4,391 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


જ્યારે સોની પાર્ક-02માં આવેલા સુકન રેસીડેન્સીમાં સિકદાર ક્લિનિકમાં પ્રશનજીત શાંતા સિકદારની તપાસ કરતા તે ધો.12 સુધી ભણેલો હોવાનું બહાર આવતા ધરપકડ કરી હતી. વતનમાં વિવિધ હોસ્પિટલમાં ત્રણ વર્ષ નોકરી કરી અનુભવના આધારે નહી ગેરકાયદે પ્રેકટીસ કરતો હતો. પોલીસે તેની ધરપકડ કરી 13,895 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ બોગસ ડોકટર વિરુઘ્ધ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. ઉમરપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો.સુધીર અંબિકા પ્રસાદ તથા સુપરવાઇઝર સુનિલ રામસિંગભાઈ ચૌધરીને સાથે રાખી ઉમરપાડા ત્રણ રસ્તા ખાતે આસ્થા દવાખાનામાં છાપો માર્યો હતો.


અંદર ટેબલ ખુરશી લઇ બેઠેલા કાંતિલાલ દામજીભાઈ વસાવાપાસે ડોક્ટર તરીકેના જરૂરી પરવાનગી તથા સર્ટીફીકેટની માંગણી કરી હતી. પણ આવા સર્ટિફિકેટ ન હોવાની કાંતિલાલે કબૂલાત કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, કાંતિ વસાવાએ પોતે ધોરણ-12 સાયન્સ સુધી અભ્યાસ કરી એક વર્ષ નવસારી ખાતે પ્રેક્ટિસ કરી હતી અને નેચરોપેથી અને ઇલેક્ટ્રો હોમિયોપોથીનો અભ્યાસ કરેલો અને એકાદ વર્ષથી દવાખાનું ચલાવતો હતો. પોલીસે દવા તેમજ મેડિકલ સાધનો સાથે કુલ 5,243 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાંતિલાલ વસાવાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application