મહુવા તાલુકાનાં વહેવલ ગામની સીમમાં જંગલમાં વાંસદા તાલુકાનાં ચાપલધરાનાં ગામનાં 48 વર્ષીય પુરુષે વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી ઝાડે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મહુવા પોલીસે વ્યાજે ધીરનાર આરોપી વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકાનાં ચાપલધરા ગામના ડુંગરી ફળિયાના ઠાકોરભાઈ સુખાભાઈ પટેલ (ઉ.વ.48) નાને ગામના જ રહીશ મોહનભાઇ છીબાભાઈએ વ્યાજપેટે 3 લાખ રૂપિયા આપેલા જે પૈકી એક લાખ રૂપિયા પરત ચૂકવી દીધેલ હતા જયારે ઠાકોરભાઈએ અન્ય લોકો પરથી પણ ઉછીના રૂપિયા લીધેલા હોય અને ઘરના ગાય અને બકરા વેચી દીધેલા હોય છતાં પૈસાની સગવડ થાય તેમ નહિ હોવાથી બાકીની રકમ મેળવવા માટે વ્યાજે આપનાર મોહનભાઇ છીબાભાઈ દ્વારા ઠાકોરભાઈ પર પૈસા પરત કરવા ઘરે આવી તેમજ ફોન પર પૈસાની માંગણી કરી માનસિક દાબ દબાણ કરતો હતો.
ત્યારે ઠાકોરભાઇએ કંટાળી જઈ પોતાના હસ્તાક્ષરમાં ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી મહુવા તાલુકાના વહેવલ ગામની સીમના જંગલમાં મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર આવેલી સેન્ટ્રલ નર્સરીની બાજુમાં ઝાડ પર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે મહુવા પોલીસ જાણ થતા પોલીસે વ્યાજે આપનાર આરોપી વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500