બારડોલી તાલુકાનાં ગોજી ગામ માંથી એક મહિલાનાં ઘરની સામે ખુલ્લી જગ્યામાં રાખેલ લાકડા તથા ઈંટનાં ઢગલાની આડમાં સંતાડી રાખેલ ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે ઝડપાઈ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી રૂરલ પોલીસ સ્ટાફનાં માણસો બારડોલી વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગોજી ગામનાં ટાંકી ફળીયામાં રહેતા રીટાબેન સુનીલભાઇ રાઠોડ નાઓ તેમના ઘરની સામે ખુલ્લી જગ્યામાં રાખેલ લાકડા તથા ઈંટના ઢગલાની આડમાં ઈગ્લીશ દારૂનો જથ્થો સંતાડી તેનું છુટક વેચાણ કરે છે.
જે બાતમી આધારે પોલીસે બાતમી વાળા સ્થળે જઈ રેડ કરતા રીટાબેન સુનીલભાઇ ઇશ્વરભાઇ રાઠોડ (રહે.ગોજી ગામ, ટાંકી ફળીયુ, બારડોલી) મળી આવતાં પોલીસે તેના ઘરમાં તેમજ ઘરની સામે આવેલ ખુલ્લી જ્ગ્યામાં રાખેલ લાકડા તથા ઇટના ઢગલામાં તપાસ કરતા પ્લાસ્ટીકની કોથળીઓ મળી આવી હતી.
જોકે પોલીસમાં તપાસ કરતા અલગ-અલગ બ્રાંડની વિદેશી દારૂની તથા ટીન બીયર મળી કુલ 448 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 36,000/- હતી. આમ પોલીસે આ ગુના સંદર્ભે બુટલેગર બેન પાસેથી મળી આવેલ 1 નંગ મોબાઈલ અને વિદેશી દારૂની બોટલો મળી કુલ રૂપિયા 36,500/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જયારે દારૂનો જથ્થો પુરોપાડનાર આરોપી અર્જુનસિંગ સંગ્રામસિંગ રાજપુત (રહે.વાઘેચા ગામ, મંદીર ફળીયું, બારડોલી) નાને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ બહેનને રાત્રી સમય થયેલ હોય જેથી બીજા દિવસે પોલીસ સ્ટેશન ખાતે આવવા માટેની સમજ આપી બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500