ઉધના લિંબાયતનાં શ્રમજીવી પરિવારમાં પતિ-પત્ની વચ્ચે બોલચાલ થતા એક પુત્રી અને બે માસુમ સંતાનો સાથે ઘરેથી નીકળી આવેલા શ્રમજીવી પિતા બારડોલીનાં નાદીડા ચાર રસ્તા નજીક બાળકોને છોડી ચાલ્યો ગયો હતો. જોકે આ નિર્દોષ બાળકોનું બારડોલી પોલીસે તેમની માતા સાથે મિલન કરાવ્યું હતું. બનાવની વિગત એવી છે કે, બારડોલી તાલુકાનાં નંદીડા ચાર રસ્તા નજીક 3 માસૂમ બાળકો રસ્તા પર રડતાં હતા. જોકે એક દયાભાવી વ્યક્તિ રમેશભાઈ રાઠોડને આ બાબતની જાણ થતાં તેમણે ત્રણેય બાળકોને રિક્ષામાં બેસાડી અને બારડોલી પોલીસ મથકે લઈ પહોંચ્યા હતા.
જ્યાં પોલીસ મથકનાં A.S.I.એ બાળકોને પાણી પીવડાવી સાંત્વના આપી ખાવાનું ખવડાવ્યું હતું. ત્યારબાદ બાળકોને પૂછતાં 7 વર્ષીય દીકરી આરતીએ પોલીસને જણાવ્યું હતું કે, તેના પિતાએ તેના 4 વર્ષીય નાના ભાઈ રોહન અને 3 વર્ષીય ગણેશને બારડોલીના નાંદીડા ચાર રસ્તા નજીક મૂકીને ચાલ્યા ગયા હતા. બાળકી આરતીએ જણાવ્યું હતું કે, તેઓનું ઘર સુરતના ધારાસભ્ય સંગીતા પાટીલના કાર્યાલયનાં આસપાસ છે. જેને લઈ બારડોલી પોલીસે તપાસ શરૂ કરી હતી અને બાળકીનો ફોટો સુરતનાં નીલગીરી સર્કલ, લીંબાયત વિસ્તારમાં બતાવતા ત્રણે બાળકો કાજલ હરીશભાઈ ડાભીનાં હોવાનું જાણવા મળ્યું હતું. આમ, પોલીસે બાળકોની માતાનો સંપર્ક કરી તેણીને પોલીસ મથકે બોલાવી ત્રણે માસૂમ બાળકોનો કબ્જો સોંપ્યો હતો જેથી બાળકોની માતાએ બારડોલી પોલીસનો આભાર માન્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500