સુરત શહેરનાં વરાછા મીનીબજારમાં ઓફિસ ધરાવતા કતારગામનાં યુવાન હીરા વેપારી પાસેથી રૂપિયા 9.12 લાખના સીવીડી હીરા ખરીદી પેમેન્ટ કર્યા વિના દુકાન-મકાન ખાલી કરી ફરાર થયેલા મોટા વરાછાનાં વેપારીની વરાછા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ચિત્રકુટ સોસાયટી મકાન નં.બી/38માં રહેતો 27 વર્ષીય ઉજાસ ગોપાલભાઈ મોતીસારીયા વરાછા મીનીબજાર શામળ બિલ્ડીંગમાં માયરા ડીએમના નામે હીરાનો વેપાર કરે છે.
જોકે તેમના મિત્ર ભાવેશ વાવડીયાની ઓફિસે આવતા અને મોટા વરાછા ડી માર્ટ પાસે ગ્રીન પ્લાઝામાં જે.ડી.કોર્પોરેશનના નામે હીરાનો વેપાર કરતા રોહિત વલ્લભભાઇ પટેલ સાથે ઓળખાણ થયા બાદ તે ગત જુલાઈ માસમાં ઉજાસની ઓફિસે આવ્યો હતો. એક વેપારીને 9 સીવીડી હીરાની જરૂર છે કહી રોહિત તે સમયે રૂપિયા 2,50,704/-ની મત્તાના 5 સીવીડી હીરા 15 દિવસમાં પેમેન્ટનો વાયદો કરી લઈ ગયા બાદ રોહિતે 13 તારીખે પણ બીજા રૂપિયા 6,60,936/-ના 4 સીવીડી હીરા લીધા હતા.
ત્યારબાદ નિર્ધારીત સમયે ઉજાસે પેમેન્ટની માંગણી કરતા રોહિતે પહેલા વાયદા કરી બાદમાં ચેક આપ્યા હતા પણ તે રિટર્ન થયા હતા તેમજ પેમેન્ટ માટે ફોન કરવા છતાં રોહિત ફોન ઉપાડતો ન હોય ઉજાસે તેની ઓફિસે જઈ તપાસ કરી તો તેણે ઓફિસ બંધ કરી દીધી હતી. ત્રણ અઠવાડીયા અગાઉ રોહિત મળતા ઉજાસે પેમેન્ટની માંગણી કરી તો રીહિતે હું વિજય ઠુંમર સાથે માતાવાડી ઠુંમર જેમ્સની બાજુમાં રિતિકા એપાર્ટમેન્ટમાં ખાતું ચલાવું છું કહી રૂપિયા 300/-ના સ્ટેમ્પ પેપર ઉપર રૂપિયા 5.50 લાખનું એક ગેલેક્ષી મશીન અને રૂપિયા 2 લાખની કિંમતના બે શરીન મશીન આપવાનો તેમજ તા.30 સપ્ટેમ્બર સુધીમાં બાકીનાં રૂપિયા 1.57 લાખ ચૂકવવાનું લખાણ લખી આપ્યું હતું.
જોકે ઉજાસ રોહિતે જે સરનામું આપ્યું હતું તે જગ્યાએ મશીન લેવા ગયો તો ત્યાં રીહિત કે વિજયનું કોઈ ખાતું નહોતું. ત્યારબાદ રોહિત ફોન ઉપાડતો ન હોય તેના ઘરે તપાસ કરી તો તે મકાન ખાલી કરી ચાલી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. થોડા દિવસ અગાઉ રોહિત મીનીબજારમાં મળતા ઉજાસે પેમેન્ટની માંગણી કરતા રોહિતે ધમકી આપી હતી કે, તારા પૈસા વાપરી નાખ્યા છે, તારાથી થાય તે કરી લે. ઉજાસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, રોહિતે બીજા વેપારીઓ સાથે પણ આ રીતે જ ઠગાઈ કરી છે. આથી ઉજાસે ગતરોજ રોહિત વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં કુલ રૂપિયા 9,11,640/-ની છેતરપીંડી ફરિયાદ નોંધાવતા પોલીસે રોહિત વલ્લભભાઇ પટેલ (રહે.ઘર નં.89,મોમાઇનગર સોસાયટી, નાનાવરાછા ઢાળ, સુરત. મુળ રહે.ઉટવટ ગામ, તા.બાબરા, જિ.અમરેલી ) નાની ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500