માંડવી તાલુકાનાં નવી નગરી ખાતે રહેતા અને મોટરસાઈકલ પર સબંધીને મળવા નીકળેલા એક જ પરિવારના 4 સભ્યોને કડોદ ગામ નજીક અકસ્માત નડ્યો હતો. જોકે સંબંધીને મળ્યા બાદ માંડવી પરત ફરી રહેલા પરિવારની મોટરસાઈકલને કડોદ રેફરલ હોસ્પિટલ નજીક કારનાં ચાલકે અડફેટે લેતા માંડવી પ્રાંત કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા બકુલભાઈ ગણેશભાઈ ખાંદેશી (ઉ.વ.40)નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્ની અનિતાબેન (ઉ.વ.35), 12 વર્ષીય પુત્રી હેતવી તેમજ 4 વર્ષીય હનીને ગંભીર ઈજાઓ થતાં 108ની મદદથી સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદથી માંડવી પરત ફરતા સમયે મોટરસાઈકલને કારનાં ચાલકે રોંગ સાઈડ પર આવી અડફેટે લેતા ઘરના મુખ્યા બકુલ ખાંદેશીનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમનાં પત્ની અનિતાબેનના જમણા ફેકચર, પુત્રી હેતવીને પગમાં ફેકચર તેમજ માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેઓને સારવાર હેઠળ સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે અને 4 વર્ષીય માસુમ દીકરી હનીને ગંભીર ઈજાઓ થતા તે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
જયારે કડોદ રેફરલ હોસ્પિટલ નજીક મોટરસાયકલ સવાર પરિવારને અડફેટે લીધા બાદ કાર નંબર GJ/5/RL/8312નાં ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડ પર પલ્ટી ગઈ હતી, કારમાં સવાર બે યુવાનો પૈકી કાર ચાલક યુવાનને ઈજાઓ થતા તેને હાલ સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે ખેડવામાં આવ્યો છે, જ્યારે અન્ય યુવાનને નાની મોટી ઈજાઓ થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500