સુરતનાં પલસાણા ચાર રસ્તા ઇટાળવા ગામની સીમમાં આવેલ કિંગ કોર્નર હોટલની સામે આવેલ ફૂટપાથ ઉપરથી ચાની લારી ચલાવતા વ્યક્તિને ત્રણ દિવસની નવજાત બાળકી મળી આવતા પલસાણા પોલીસને આ અંગે જાણ કરી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઇટાળવા ગામે રહેતા અને મૂળ મહારાષ્ટ્રનાં વતની ફિરોજ નાઝીર ખટિક પલસાણા ચાર રસ્તા ખાતે હાઇવે પર ઇટાળવા ગામની સીમમાં કિંગ કોર્નર હોટલ પાસે ચાની લારી ચલાવે છે.
જોકે ગતરોજ સવારે 6 વાગ્યાની આસપાસ ચાની લારી પર ફિરોજ હાજર હતો ત્યારે ચા પીવા માટે તેમને ત્યાં બે ગ્રાહકો આવ્યા હતા. જેમણે ફિરોજને જણાવ્યુ હતું કે, નવજાત બાળક રડી રહ્યું હોય એવો અવાજ આવી રહ્યો છે. જેથી ફિરોજ તથા બે ગ્રાહક અવાજ વાળી દિશામાં તપાસ કરતાં તેમને કિંગ કોર્નર હોટલની બાજુમાં ફૂટપાથ પર ખુલ્લી જગ્યામાં નવજાત બાળક પડેલું હતું.
જેથી તેમણે બાળકને જોઈને તપાસ કરતાં ત્રણ દિવસ અગાઉ જન્મેલ બાળકી હોવાનું બહાર આવ્યું હતું. તેમણે તાત્કાલિક બાળકીને ઊંચકી સફાઈ કરી પલસાણા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરતાં પોલીસની PCR વાહન તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકીનો કબ્જો લઈ તેને સારવાર માટે પલસાણા સીએચસીમાં લઈ ગયા હતા. બનાવ અંગે પલસાણા પોલીસે બાળકીને ત્યજી દેનાર અજાણ્યા સ્ત્રી કે પુરુષ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500