સુરતનાં ઓલપાડ તાલુકાનાં સિવાણ ગામે આવેલી મુજાણી ફેબટેક્સ પ્રા.લી.નામની ફેક્ટરીમાં ગત તા.12મી જૂનના રોજ પરિણીતાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. જોકે ઘટનાનાં દોઢ મહિના બાદ ઓલપાડ પોલીસે પરિણીતાની માતાની ફરિયાદનાં આધારે પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશનાં ફિરોજાબાદ જિલ્લાનાં નૌસેહરા ગામે રહેતી કમલાદેવી થાનસિંગ કુશ્વાહના પાંચ સંતાનો પૈકી સૌથી નાની પુત્રી સાધના (ઉ.વ.23)ના લગ્ન ચાર વર્ષ અગાઉ હાથરસ જિલ્લાના સુમ્મેરપૂર ગામના રાજકુમાર ખ્યાલીરામ કુશ્વાહ સાથે થયા હતા.
જોકે રાજકુમાર થોડા મહિના પહેલા જ સુરતનાં ઓલપાડ તાલુકાનાં સિવાણ ગામે આવેલી કાપડની ફેક્ટરીમાં કામ કરવા માટે આવ્યો હતો. થોડા દિવસ બાદ સાધના પણ તેની સાથે રહેવા આવી ગઈ હતી. બંને પતિ-પત્ની સિવાણની મુજાણી ફેબટેક્સ પ્રા.લી.માં ઉપલા માળે મજૂરોની ખોલીમાં રહેતા હતા. તેમજ સાધના પણ કાજુની ફેક્ટરીમાં કામે જતી હતી.
તે દરમિયાન ગત તા.12મી જૂનનાં રોજ સાંજે 6 વાગ્યે રાજકુમાર નોકરી પરથી પરત ઘરે આવ્યો ત્યારે રૂમનાં બાજુનાં રૂમની પતરાની દીવાલ પરથી જોતાં સાધના બારીના સળિયા સાથે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. રાજકુમારે દરવાજો તોડી અંદર પ્રવેશ કરતાં જોય તો સાધનાનું મોત થઈ ગયું હતું.
બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે જે તે સમયે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો હતો અને પોસ્ટમોર્ટમ બાદ મૃતક સાધનાનાં પિયરવાળાનાં કહેવાથી લાશ રાજકુમારને આપી હતી. તેની અંતિમ ક્રિયા વતનમાં કરવામાં આવી હતી. દરમિયાન મૃતક સાધનાની માતાએ વતનથી સાયણ આવી શુક્રવારનાં રોજ સાધનાનાં પતિ રાજકુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જોકે માતાએ આક્ષેપ કર્યો હતો કે, સાધનાને લગ્નનાં ચાર વર્ષ બાદ પણ સંતાન થતું ન હોય તેનો પતિ તેને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. જયારે વારંવારની ત્રાસથી કંટાળી જઇ સાધનાએ આ પગલું ભર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરતાં પોલીસે રાજકુમાર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500