બારડોલી તાલુકાનાં મોતા ગામે આવેલી મધુવન રેસિડેન્સીમાં રોડ પર ખુરશી લઈને બેસેલા યુવકો પૈકી એક યુવકની ખુરશી સાથે રોડ પરથી પસાર થતી મોપેડ અડી જતાં વિવાદ સર્જાયો હતો. જોકે ખુરશી પર બેસેલ યુવકો અને મોપેડ ચાલક વચ્ચે બોલાચાલી ઝઘડો થયા બાદ વાત મારામારી સુધી પહોંચતા મામલો બારડોલી ગ્રામ્ય પોલીસ મથકે પહોંચ્યો હતો. બારડોલી ગ્રામ્ય પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, બારડોલીનાં મોતા ગામ આવેલી મધુવન રેસિડેન્સીમાં રહેતો અનિલ વસંત પાટિલ બુધવારે રાત્રે દશેક વાગ્યે પોતાની સોસાયટીમાંથી મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો.
ત્યારે ગેટથી અંદર આવતા ઘર નંબર-25 પાસે સોસાયટીનાં કેટલાક રહીશો ખુરશી લગાવીને બેઠા હતા તે સમયે તેની મોપેડ એક ખુરશીને અડી ગઈ હતી. આથી અનિલ અને ખુરશી પર બેઠેલા યુવકો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયા બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી અને મામલો બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં પહોંચતા બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. અનિલ વસંત પાટિલે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, મોપેડ ખુરશીને લાગી જતાં તે લોકોએ મારી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જયારે સોસાયટીના પ્રદીપ રામરાવે માથાના ભાગે ઢીકમુક્કીનો માર માર્યો હતો.
આ ઉપરાંત મહેશ શિવરામ રાજપૂત, શુભમ જાગેશ્વર રાજપૂત તથા સોસાયટીની મહિલાઓએ પણ ગાળો આપી જાનથી મારી નાખવાની તેમજ અમે યુ.પી. બિહાર અને એમ.પી.વાળા થઈને તને સોસાયટીમાંથી ભગાડી મૂકવાની પણ ધમકી આપી હતી. બીજી તરફ સામે પક્ષે અરુણાબેન રાજપાલ રઘુવીર પાલે ફરિયાદ મુજબ તેઓ સોસાયટીમાં ખુરશી લઈને બેઠા હતા તે સમયે સુરેશ રાજપૂત ખુરશી ખસેડવા જતો હતો.
ત્યારે જ ઈરાદાપૂર્વક મોપેડ લગાવી દેતાં ઝઘડો શરૂ કર્યો હતો. તમે રસ્તામાં કેમ બેસો છો એમ કહી ગાળાગાળી કરી સોસાયટીના પ્રદીપ રામારાવ ચચાનીને ઢીકમુક્કીનો માર માર્યો હતો. અગાઉ પણ અનિલ સાથે તેમનો ઝઘડો થયો હોવાનુ ફરિયાદમાં જણાવ્યુ હતું. પોલીસે અરુણાબેનની ફરિયાદના આધારે અનિલ વસંતરાવ પાટિલ સામે અને અનિલ પાટિલની ફરિયાદના આધારે પ્રદીપ રામારાવ ચચાની, મહેશ શિવરામ રાજપૂત અને શુભમ જાગેશ્વર રાજપૂત સામે ફરિયાદ કરતાં પોલીસે સામસામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500