સુરતનાં સચીન GIDC પોલીસ મથકની હદમાં રહેતી 8 વર્ષ અને 5 માસની ઘર પાસે રમતી બાળકીનું અપહરણ કરી મહારાષ્ટ્રનાં ભાડાનાં ઘરમાં રાખી જાતીય હુમલો કરવાના કેસમાં 21 વર્ષીય આરોપી યુવકને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ બી.પી.પુજારાએ 20 વર્ષની સખત કેદ, 20 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ ત્રણ મહીનાની કેદની સજા ફટકારી હતી. તેમજ ભોગ બનનારને 4 લાખ વળતર ચુકવવા નિર્દેશ આપ્યો હતો. મળતી માહિતી અનુસાર, સચીન GIDC પોલીસ મથકનાં હદ વિસ્તારમાં રહેતી 8 વર્ષ અને 5 માસની વયની બાળકી ગત તા.23/9/21નાં રોજ અન્ય બાળકો સાથે પોતાના ઘર પાસે પોતાની માતા-પિતાની ગેરહાજરીમાં રમતી હતી.
તે દરમિયાન 21 વર્ષીય આરોપી સોનુ ઉર્ફે સચીન કાંતા રાજભર લગ્નની લાલચે બાળકીનું બદકામના ઈરાદે અપહરણ કરીને મહારાષ્ટ્રનાં કોલ્હાપુર જિલ્લાનાં ગામમાં ભાડાનાં મકાનમાં લઈ ગયો હતો. જ્યાં એક મહિના સુધી રાખી બાળા પર જાતિય હુમલો કર્યો હતો. આ તરફ બાળાના માતા-પિતા દ્વારા ઠેર-ઠેર શોધખોળ વચ્ચે કોલ્હાપુર બાળગૃહમાંથી ફોન આવ્યો હતો કે, તેમની દીકરી ત્યાં છે. બાદમાં મેડિકલ તપાસમા બાળા પર આરોપી સોનુ ઉર્ફે સચીને જાતિય હુમલો કર્યાનું બહાર આવતા સચીન GIDC પોલીસે વિવિધ કલમો તથા પોક્સો એક્ટનાં કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
ત્યારબાદ આ કેસની અંતિમ સુનાવણી થઇ હતી અને સરકારપક્ષે એપીપીએ 21 જેટલા સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. બચાવપક્ષે આરોપી 21 વર્ષની વયનો હોઈ પ્રથમ ગુનો હોવાથી સજામાં રહેમ રાખવા માંગને નકારી કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી 20 વર્ષની સખત કેદ તથા દંડની સજા ફટકારી ભોગ બનનારને 4 લાખ વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500