માંગરોળનાં તરસાડી ગામમાં આવેલ દાદરી વિસ્તારમાં મહાકાળી માતાના મંદિર પાસે રસ્તા પરથી પૂરઝડપે જતાં બે મોટરસાયકલ ચાલકોને આંગણું સાફ કરી રહેલી મહિલાએ ટોકતાં બંને મોટરસાયકલ ચાલકોએ મહિલા સાથે ગાળાગાળી કરી બહાર સફાઈ માટે મુકેલ ઘર વખરીનાં સામાનમાં તોડફોડ કરી નુકસાન પહોચાડ્યું હતું. ઘટના અંગે પોલીસને જાણ થતાં સ્થળ પર આવેલી પોલીસ સાથે પણ બંને ઇસમોએ ઝપાઝપી કરતાં ત્રણ પોલીસ કર્મીને ઇજા પહોંચી હતી.
કોસંબા પોલીસે બંને યુવકોની ધરપકડ કરી તેમની સામે પોલીસ પર હુમલો તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળ બે અલગ અલગ ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તરસાડીનાં દાદરી ફળિયામાં રહેતી તારાબેન મોહનભાઈ વસાવા રવિવારે દિવાળીની સાફ સાફઇ કરતી હોય ઘર-વખરીનો સામાન બહાર કાઢ્યો હતો તેમજ સાંજે તે ઘર આંગણાનો કચરો વારી રહી હતી તે સમયે બુલેટ અને સ્પ્લેન્ડર એમ બે મોટરસાયકલ વાળા તેની નજીકથી પૂરઝડપે પસાર થતાં તારાએ તેઓને ‘કેમ દેખાતું નથી, જોઈને ચલાવો’ એવી બૂમો પડતાં બંને મોટરસાયકલ વાળા પરત આવી તારાબેન સાથે ગાળાગાળી કરી જાતિવિષયક અપશબ્દો કહ્યા હતા અને ઉશ્કેરાટમાં આવી જાનથી મારી નાંખવાની ધમકી આપી બહાર સાફ સફાઈ માટે મુકેલ ઘરવખરીમાં તોડફોડ કરી હતી.
જોકે આમાં અંદાજિત 5 હજાર રૂપિયા જેટલું નુકસાન પહોંચાડી નાસી છૂટ્યા હતા અને પોલીસને જાણ થતાં કોસંબા પોલીસ મથકનાં પોલીસ કર્મીએ બે અલગ અલગ મોટરસાયકલ પર બનાવના સ્થળે જવા નીકળ્યા હતા. તે સમયે સામેથી બે મોટરસાયકલ પર ગાળો દેતાં દેતાં જતાં હોય પોલીસ જવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ આગળ હંકારી ગયા હતા. ચારેય પોલીસ જવાનો તારાબેનનાં ઘર પાસે જતાં હતા ત્યારે બંને મોટરસાયકલ વાળા પાછળ વળીને પોલીસ જવાનો તરફ આવેલા અને પોલીસને રોકી કેમ અમોને રોકવાનો પ્રયાસ કરેલ છે તેમ જણાવી પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.
જે પૈકી એક શખ્સે કોલર પકડી ઢીકમુક્કીનો મારમારી નીચે પાડી દીધો હતો. બચાવવા આવેલા બીજા કર્મીને પણ કમરના ભાગે જોરથી ઢીક મારી દેતા તે નીચે પટકાયો હતો. ત્યારબાદ બુલેટવાળા ચાલકે ત્રીજા કર્મચારી સાથે ઝપાઝપી કરી માથામાં બચકું ભરી દીધું હતું. તેને છોડાવવા ગયેલા કર્મી સાથે પણ મારમારી કરી હતી. જોકી આની જણા કોસંબા પોલીસ મથકમાં થતાં પોલીસનો સ્ટાફ આવી જતાં તેમની સાથે પણ મારમારી કરવા લાગ્યા હતા. મારમારી દરમિયાન હાથમાં તથા ગળામાં ઇજા પહોંચી હતી.
પોલીસ સાથે મારમારી કરી ભાગવા જતાં બંનેને પોલીસે પકડી લઈ તેમના નામ પૂછતાં સ્પ્લેન્ડર ચાલકે તેનુ નામ આબિદ ઇલ્યાસ શેખ (રહે.સમર્પણ એપાર્ટમેંટ, તરસાડી, તા.માંગરોળ) અને બુલેટ ચાલકે તેનું નામ શાહનવાઝ ઉર્ફે સદ્દામ ઝલીલ સૈયદ (રહે.સરકારી દવાખાનાની પાછળ, કોસંબા, તરસાડી, માંગરોળ)નાં હોવાનું જણાવ્યું હતું. આમ પોલીસે બંનેની ધરપકડ કરી હતી. તેમની સામે તારાબેનની ફરિયાદના આધારે એટ્રોસીટી એક્ટ અને પોલીસ કર્મીની ફરિયાદના આધારે સરકારી કર્મચારી પર હુમલો તેમજ ફરજમાં રૂકાવટ એમ બે અલગ અલગ ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જયારે આ મારમારીમાં ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500