સુરતનાં ઉધના અમૃત નગરમાં બે અઠવાડીયા અગાઉ અજાણ્યા તસ્કરોએ દિન દહાડે માત્ર 15 મિનિટમાં કાપડની દુકાનનાં એકાઉન્ટન્ટનાં બંધ ઘરનું તાળું તોડી સોનાનાં દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 1.10 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતનાં ઉધના અમૃતનગર શિવ દર્શન એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર-102માં રહેતા 46 વર્ષીય તાપસભાઈ નંદલાલ કોનાર રીંગરોડ સ્થિત કોહિનૂર માર્કેટમાં કાપડની દુકાન બાહુબલી પ્રિન્સ પ્રા.લી.માં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.
જોકે ગત તા.24 જૂનનાં રોજ તે નોકરીએ ગયા હતા અને સાંજે પાંચ વાગ્યે તેમના પત્ની સુપર્ણાબેન ઘર બંધ કરી પુત્ર અર્ણવને આશા નગર ખાતે ટીચર આસ્થાબેનને ત્યાં મુકવા ગયા હતા. ત્યારે પંદર મિનિટ બાદ તે પરત ફર્યા અને લોખંડનાં દરવાજાને ખોલી અંદર બેડરૂમમાં જઈ જોયું તો કબાટ અને તેનું લોકર ખુલ્લા હતા. આથી તેમણે તરત પતિને જાણ કરતા તે દોડી આવ્યા હતા.
જોકે તાપસભાઈએ તપાસ કરતા તસ્કરો લોકરમાં મુકેલા રૂપિયા 1,07,492/-ની સોનાના દાગીના અને રોકડા રૂપિયા 2500 મળી કુલ રૂપિયા 1,09,892/-ની ચોરી ગયા હતા. બનાવ અંગે તાપસભાઈએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500