ઉધનાનાં પાંડેસરા જી.આઇ.ડી.સી.માં પ્રશાંત એન્ટરપ્રાઇઝમાંથી રૂપિયા 2.88 કરોડનું ઓઇલ ખરીદી ટુક્ડે-ટુક્ડે રૂપિયા 2.14 કરોડનું પેમેન્ટ ચુકવ્યા બાદ બાકી રૂપિયા 73.84 લાખનાં પેમેન્ટ માટે વાયદા પર વાયદા કર્યા બાદ રાતોરાત દુકાન અને ઘરને તાળા મારી ભુગર્ભમાં ઉતરી જનાર પાંડેસરાની યશ કોર્પોરેશનની સંચાલક મહિલા સહિત બે વિરૂધ્ધ પાંડેસરા પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાય છે. પાંડેસરા જી.આઇ.ડી.સી.માં પ્રશાંત એન્ટરપ્રાઇઝ નામે ઓઇલનો વેપાર કરતા રૂષીલ પ્રશાંત શાહ (ઉ.વ.24., રહે.સોમેશ્વર એન્કલેવ, વેસુ)એ પાંડેસરાની આર્વીભાવ સોસાયટી નજીક દક્ષેશ્વર નગરમાં યશ કોર્પોરેશન નામે ઓઇલનો ધંધો કરતા ડિમ્પલબેન શાહ (રહે.જોલી રેસીડન્સી,આગમ આર્કેડ પાસે, વેસુ) અને રાજેશ મહેન્દ્ર પાદરીયા (રહે.દક્ષેશ્વરનગર, આર્વીભાવ સોસાયટી નજીક, પાંડેસરા) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.
જયારે રૂષીલના પિતા વર્ષોથી ઓઇલનો ધંધો કરતા હોવાથી છેલ્લા ઘણા સમયથી ડિમ્પલ શાહ અને રાજેશ સાથે વ્યાપારીક સંબંધ હતા અને તેઓ સમયસર પેમેન્ટ ચુકવતા હતા. પરંતુ ગત તારીખ 8 મે થી 2 નવેમ્બર 2018 દરમિયાન રૂપિયા 2.88 કરોડનું ઓઇલ ખરીદયું હતું. જેનું 30 દિવસમાં પેમેન્ટ ચુકવવાનું હતું અને ડિમ્પલ શાહે ટુક્ડે-ટુક્ડે રૂપિયા 2.14 કરોડનું પેમેન્ટ ચુકવી દીધું હતું. પરંતુ બાકી રૂપિયા 73.84 લાખનાં પેમેન્ટ માટે વાયદા કરી ધક્કે ચડાવ્યા હતા. ઉપરાંત રૂપિયા 50 લાખ અને રૂપિયા 25 લાખના બે ચેક આપ્યા હતા તે પણ રીટર્ન થયા હતા અને પેમેન્ટ ચુકવી આપશે એમ કહી ધક્કે ચડાવ્યા બાદ રાતોરાત ઓફિસ અને ઘરને તાળા મારી ભુગર્ભમાં ઉતરી ગયા હતા. જેથી એક મહિલા સહીત બે જણા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500