મધ્યપ્રદેશનાં બાલઘાટ જિલ્લાનાં વારાશિવ વિસ્તારની એક યુવતીને તેનો પાડોશી યુવાન નોકરી અપાવવાની લાલચ આપી સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં કરંજ GIDC વિસ્તારમાં લઈ આવ્યા બાદ દસ દિવસ સુધી યુવતીનું શારીરિક શોષણ કરવાની ઘટના અંગે યુવતીએ વતનમાં જઇ યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં મધ્યપ્રદેશની પોલીસે શૂન્ય નંબરથી ગુનો નોંધી આ અંગેની તપાસ માંડવી પોલીસ મથકને ટ્રાન્સફર કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશનાં બાલાઘાટ જિલ્લાના મહડૂલી ગામના યુવાન દેવેન્દ્ર મોહનલાલ માતરે સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં કરંજ GIDCમાં આવેલ ગોપીકિશન કંપનીના રૂમમાં રહી આ જ કંપનીમાં નોકરી કરે છે.
જોકે દેવેન્દ્ર ગત મે મહિનામાં તેના વતનમાં હતો. તે દરમિયાન તેના પાડોશમાં રહેતી અને Mscનાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી સાથે પરિચય હતો. યુવતીની પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે નોકરી કરવા ઈચ્છા ધરાવતી હતી જેથી દેવેન્દ્ર સાથે આ અંગે ચર્ચા કરતાં દેવેન્દ્રએ ગુજરાતમાં તેની ઓળખાણ હોય સારી નોકરી અપાવવાની લાલચ આપતા યુવતી ગત 31મી મેના રોજ દેવેન્દ્ર સાથે ગુજરાત આવી હતી.
તેમજ સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં કરંજ GIDC ખાતે કંપનીના રૂમમાં રોકાયા હતા. દેવેન્દ્ર પણ ગત તા.2જી જૂનનાં રોજ દિવસ દરમિયાન આ યુવતી માટે નોકરી શોધવા ફર્યો હતો. યુવતી આ દરમિયાન દેવેન્દ્રના રૂમમાં રહી હતી. રાત્રે પણ દેવેન્દ્રના રૂમમાં યુવતી એકલી હોય તે દરમિયાન એકલતાનો લાભ ઉઠાવી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને સતત દસ દિવસ સુધી રૂમમાં પૂરી રાખી તેની સાથે બળાત્કાર કર્યો હતો.
જો આ અંગે કોઈને જાણ કરશે તો તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એક દિવસ દેવેન્દ્ર ફોન મૂકીને ન્હાવા ગયો હતો ત્યારે તકનો લાભ લઈ યુવતીએ તેના ભાઈને આ અંગે ફોન કરી જાણ કરી હતી તેથી તેનો ભાઈ મિત્ર સાથે અહી આવી પહોંચતા દેવેન્દ્ર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ વતનમાં જઈ આ અંગે ફરિયાદ નોંધાવતાં મધ્યપ્રદેશ પોલીસે શૂન્ય નંબરથી ફરિયાદ નોંધી તપાસ માટે માંડવી પોલીસને કાગળો મોકલી આપતા માંડવી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ ધરી હતી તેમજ ભોગ બનનાર યુવતી અનુસુચિત જાતિની હોય એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો નોંધ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500