સુરતનાં ઉધના વિસ્તારમાં નશાની હાલતમાં પડી જતા પેટમાં ઈજા થયા બાદ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ ઉધના મોરારજી વસાહત એસએમસી આવાસમાં રહેતા શ્રમજીવીનું મોત થતા ઉધના પોલીસે હાથ ધરેલ તપાસમાં અને પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં તેની હત્યા તેના 15 વર્ષનાં પુત્રએ જ કરી હોવાનો ખુલાસો થયો હતો. મળતી માહિતી અનુસાર, મૂળ ઓરિસ્સાનાં ગંજામનો વતની અને સુરતમાં ઉધના મોરારજી વસાહત રોડ નં.9 કિરણ ડાઈંગની પાછળ એસએમસી આવાસ બિલ્ડીંગ નં.2 રૂમ નં.15માં રહેતા 42 વર્ષીય શ્રમજીવી નવઘણ ઉર્ફે રવિ રંકનીધી ખુંટીયાને ગત મંગળવારે સવારે પેટમાં ઈજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
બનાવની જાણ થતા ઉધના પોલીસે તેનું નિવેદન નોંધ્યું તો તેણે પત્ની રૂપા અને 15 વર્ષનાં પુત્રની હાજરીમાં જણાવ્યું હતું કે, તે સોમવારે સાંજે સાત વાગ્યે નાઈટ શીફ્ટમાં નોકરીએ ગયો હતો અને મંગળવારે સવારે આઠ વાગ્યે ઘરે પરત ફરતી વખતે નશો કરેલી હાલતમાં ઉધનામાં ક્યાંક પડી જતા પેટની ડાબી બાજુના ભાગે કોઈ વસ્તુ વાગતા ઈજા થઈ હતી. બીજા દિવસે બપોરે તેનું સારવાર દરમિયાન મોત નીપજતાં ઉધના પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન તેના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં તેને પેટમાં તિક્ષ્ણ હથિયાર વડે ઇજા કરતા અને કાનમાં પણ ઇજા કરતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળતા પોલીસે તેના અવરજવરનાં રસ્તાના CCTV કેમેરા ચેક કરતા તેને કોઈ ઇજાના નિશાન નહોતા. ઉપરાંત તેના પડોશીઓએ મંગળવારે સવારે ઘરમાં પુત્ર સાથે તેનો ઝઘડો થતો હતો અને તેની થોડીવાર બાદ તેને લોહી નીકળતી હાલતમાં સારવાર માટે લઈ ગયા હતા તેવું જણાવતા પોલીસે નવઘણ ઉર્ફે રવિની પત્નીની પુછપરછ કરી તો તેણે કબૂલાત કરી હતી કે સોમવારે રાત્રે નવઘણ ઉર્ફે રવિ તેની સાથે ઝઘડો કરી ઘરેથી નીકળી ગયો હતો.
ત્યારબાદ બીજા દિવસે સવારે આવી પુત્ર સાથે ઝઘડો કર્યો હતો. અવારનવાર નશો કરીને ઘરે આવી ઝઘડા કરતા પિતાને પુત્રએ ગુસ્સામાં પહેલા પોતાના હાથમાં રહેલા શાકભાજી કાપવાના ચપ્પુ વડે પેટના ડાબી બાજુના ભાગે ઇજા પહોંચાડી હતી અને ત્યાર બાદ રૂમમાં પડેલી હથોડી વડે જમણા કાનના ભાગે ઇજા પહોંચાડતા તેને જીવલેણ ઈજા થઈ હતી.જોકે, પુત્રને બચાવવા આ હકીકત કોઈને નહીં કહેવા ભારપૂર્વક જણાવ્યું હતું અને જાતે પણ પડી ગયાનું નિવેદન પોલીસને આપ્યું હતું. ઉધના પોલીસે તપાસમાં થયેલા ખુલાસાને પગલે હત્યાનો ગુનો નોંધી મૃતકના 15 વર્ષના પુત્રની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500