વલસાડ જિલ્લાનાં બરૂડીયાવાડ વિસ્તારમાં રહેતી અને વલસાડનાં દિવાળીબેન ભીલ તરીકે ઓળખાતી બે સગી બહેનોએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા બાદ પતિના મૃત્યુ પછી આજીવન સાથે રહ્યા, ભજન-કિર્તન, નવરાત્રીના ગરબા સહિતના કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં સાથે જ ગાવા જતા હતાં. બંનેને એકમેક વગર ચાલતુ નહતું. જોકે ગતરોજ વલસાડ સિવિલમાં ગયેલ બંને વૃધ્ધ બહેનો પૈકી ૮૪ વર્ષીય મોટી બહેન હોસ્પિટલ પરિસરમાં અચાનક ચક્કર આવ્યા બાદ મૃત્યુ પામી હતી. તેમનો મૃતદેહ જોતા જ ૮૨ વર્ષીય નાની બહેન પણ નીચે ઢળી પડ્યા અને મોતને ભેટી જતા જીવનની અંતિમ યાત્રાએ પણ બંને બહેનો સાથે જ ચાલી નીકળી હોવાની લાગણી પરિવારજનોએ વ્યક્ત કરી હતી.
મળતી માહિતી મુજબ, વલસાડ પારડીનાં બરૂડીયાવાડમાં રહેતા રામીબેન ઉકડભાઈ માંગ અને ગજરીબેન ઉકડભાઈ માંગએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કરીને એક સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. હાલ બંને બહેનો રામીબેનના પુત્ર શાંતારામ ઉકડભાઈ માંગ અને તેની પત્ની કલ્પનાબેન સાથે રહેતા હતાં. રામીબેન બ્લડપ્રેશરની બિમારીતી પીડિત હોય વલસાડ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ હતી. શુક્રવારે બંને બહેનો વલસાડ સિવિલમાં સારવારાર્થે ગયાં હતાં. રામીબેન હોસ્પિટલ પરિસરમાંથી પસાર થતા હતા.
ત્યારે અચાનક ચક્કર આવતા નીચે ઢળી પડયા હતાં. તેમને સિક્યુરીટી ગાર્ડ વિશાલ રાઠોડ વ્હીલચેરમાં બેસાડીને ઈમરજન્સી વોર્ડમાં લઇ ગયો. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. તેમના મૃતદેહને સ્ટ્રેચર મુકીને વોર્ડમાં લાવવાની તજવીજ હાથ ધરાઈ હતી, તે સમયે તેમની નાની બહેન ગજરીબેનની નજર મોટી બહેનના લાશ પર પડતા તેઓ આઘાત જીરવી નહીં શક્યા અને તેઓ પણ નીચે ઢળી પડતા જ તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. બંનેનાં મૃત્યુ હાર્ટએટેકથી થયાં હોવાનો તબીબે પ્રાથમિક અભિપ્રાય આપ્યો હતો. આમ, આજીવન સાથે રહેનાર બંને બહેનો જીવનની અનંતયાત્રાએ પણ એક સાથે ચાલી નિકળતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500