તુર્કેઈ અને સીરિયામાં આવેલા ભયંકર ભૂકંપોથી થયેલી તબાહી અને તેના પહેલા ઉત્તરકાશીમાં પડેલી તિરાડોના કારણે ભારતમાં સિસ્મોલોજીસ્ટ સતર્ક થઈ ગયા છે. હૈદરાબાદ સ્થિત એન.જી.આર.આઈ.નાં પ્રમુખ વૈજ્ઞાનિક અનુસાર ભારતીય પ્લેટ સરકવાનાં કારણે હિમાલયનાં વિસ્તારમાં ભૂકંપનું જોખમ વધી રહ્યુ છે. નેશનલ જિયો ફિજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, હિમાલય ક્ષેત્રમાં ટૂંક સમયમાં મોટો ભૂકંપ ત્રાટકી શકે છે.
ડો.પૂર્ણચંદ્ર રાવનું કહેવું છે કે, હિમાચલ પ્રદેશ, નેપાળના પશ્ચિમ ભાગ અને ઉત્તરાખંડમાં ભયાવહ ભૂકંપની શક્યતા છે. તેની તીવ્રતા પણ 8થી વધુ હોઈ શકે છે. તેમણે કહ્યું કે તૂર્કેઈમાં એવરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે મોટાપાયે જાનહાનિ થઇ અને લાખો લોકોએ બેઘર થવાનો વારો આવ્યો હતો. તેમણે કહ્યું કે આપણે ભૂકંપને અટકાવી તો ના શકીએ પણ સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને મજબૂત ઈમારતોના નિર્માણ કરી શકીએ છીએ.
પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અને ભૂસ્તરશાસ્ત્રીએ એ વાતની ચેતવણી આપી છે કે, ભારતીય ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે 5 સેન્ટિમીટરના અંતરેથી પોતાનું સ્થાન બદલી રહી છે. આનાથી હિમાલયમાં ખેંચાણ વધી રહ્યુ છે. આ કારણે આગામી દિવસોમાં ભૂકંપનું જોખમ વધવાની શક્યતા છે. તારીખ 21 ફેબ્રુઆરીએ હૈદરાબાદ સ્થિત જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના મુખ્ય વૈજ્ઞાનિક અને સિસ્મોલોજીસ્ટે કહ્યુ કે, પૃથ્વીની બહારનો ભાગ વિભિન્ન પ્લેટ્સથી બનેલો છે અને આ સતત ગતિ કરી રહી છે. ભારતીય પ્લેટ દર વર્ષે 5 સેન્ટિમીટર ખસી રહી છે.
વૈજ્ઞાનિકે જણાવ્યુ કે, ઉત્તરાખંડમાં આપણી પાસે સિસ્મોગ્રાફ સ્ટેશનોનું મજબૂત નેટવર્ક છે. ઉત્તરાખંડને સામેલ કરતા આ વિસ્તાર હિમાચલ અને નેપાળના પશ્ચિમી વિસ્તાર વચ્ચે સિસ્મિક ગેપ તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તાર ભૂકંપના મામલે સંવેદનશીલ છે અને ગમે તે સમયે અહીં ભૂકંપ આવે તેવી શક્યતા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીની જાણકારી અનુસાર તારીખ 20 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશનાં ધર્મશાળાથી 56 કિલોમીટર ઉત્તરમાં 3.6 તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500