રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય અને યોજનાની સમજ મળી રહે તે હેતુસર તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં તારીખ ૬ અને ૭ ડિસેમ્બરના રોજ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં રવિ કૃષિ મહોત્સવ–૨૦૨૪નાં આગોતરા આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રથમ દિવસે સસ્ટેનેબલ ફાર્મિંગ, પ્રાકૃતિક કૃષિ, મિશ્ર પાક પધ્ધતિ, કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત યોજાશે. બીજા દિવસે વેલ્યુ એડીશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો, મિલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા વિષય પર પરિસંવાદ, કૃષિ પ્રદર્શન તથા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે.
આ બેઠકમાં કલેકટરશ્રીએ તાલુકા કક્ષાના કાર્યક્રમ સ્થળે કૃષિ પ્રદર્શન માટે ૧૦ થી ૧૫ સ્ટોલનું આયોજન કરવા જણાવ્યું હતું. દરેક તાલુકામાંથી ખેડૂતોની પસંદગી કરી તેમને સ્ટેજ ઉપરથી મહાનુભાવોના હસ્તે યોજનાના મંજૂરી પત્રો/ સહાય અને સહાયના હુકમોના વિતરણ સુચારૂ રૂપે થાય તેવી વ્યવસ્થા કાર્યક્રમના સ્થળે ગોઠવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પ્રથમ દિવસે ખેડૂતો નિહાળી શકે તે મુજબ વ્યવસ્થા કરવા કલેકટરશ્રીએ દિશાનિર્દેશ આપ્યા હતા. નોધનિય છે કે, આગામી ૬ અને ૭ ડિસેમ્બરે યોજાનાર બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો વધુમાં વધુ ખેડૂત મિત્રો લાભ લે તેવુ આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યુ છે. તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં આ મહોત્સવનું સુચારૂ આયોજન થાય તે માટે તાલુકાવાર નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ આ બે દિવસીય મહોત્સવ સવારે ૮.૩૦થી સાંજે ૫ વાગ્યા સુધી યોજાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500