બીલીમોરા નગરપાલિકાએ સોમવારનાં રોજ મોડી સાંજે ટ્રાફિકને અડચણરૂપ અને માર્ગો પર બેસાડેલ દુકાનોની બહાર રસ્તા પર ગોઠવી દેવાતી લારીઓ, પોસ્ટર બેનરો, હોર્ડિંગ્સ વગેરે હટાવાની ઝુંબેશ હાથ ધરી હતી. જયારે શહેરનાં મુખ્ય માર્ગો પર બિનઅધિકૃત રીતે ગોઠવી દેવામાં આવેલ લારીઓ, પોસ્ટર બેનરો, હોર્ડિંગ્સના કારણે ઘણીવાર ટ્રાફિકને અડચણરૂપ બને છે, જેના કારણે નગરપાલિકા દ્વારા આવા દબાણો દુર કરવાની કાર્યવાહી કરાઇ હતી. ખાડા માર્કેટ વિસ્તારમાં સોમવારે સાંજે 11 જેટલી લારીઓ હટાવવામાં આવી હતી.
આગામી દિવસોમાં શહેરના માર્ગો પર આ દબાણ હટાવાની કામગીરી કરવામાં આવશે. જોકે પાલિકા દ્વારા ઘણીવાર આ મુજબની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ ફરી પાછા દબાણકર્તા જયાંને ત્યાં ગોઠવાય જાય છે. આ કામગીરીમાં કોઈ અડચણ નહીં આવે તે માટે પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી. જોકે પાલિકાની આ કાર્યવાહી બાદ લોકોમાં ચર્ચા જાગી હતી કે આ અભિયાન માત્ર એક દિવસ પૂરતું જ હશે તો પરિસ્થિતિ પાછી જેમની તેમજ બની રહેશે. આ ઝુંબેશ બધા જ વિસ્તારોમાં થાય અને કારગત થાય જેથી ટ્રાફિક હળવો બની શકે એવી લોકલાગણી પ્રવર્તી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500