ભાવનગર શહેરના નવા ગુરુદ્રારાની સામે જાહેર શૌચાલય પાછળથી ચોરી કરેલા બે બાઈક સાથે એક ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર નવા ગુરુદ્રારાની સામે જાહેર શૌચાલય પાછળ બે નંબર પ્લેટ વગરના બાઈક સાથે ઉભેલ છે.
જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ દરોડા કરી વિજય વિક્રમભાઇ રાઠોડ (ઉ.વ.૪૦., રહે.તુષારભાઇ મહારાજના મકાનમાં ભાડેથી, હર ભોલે ફરસાણની પાછળ, ભાવનગર મુળ.લાઠીદડ, તા.જી.બોટાદ)ને પકડી સાથે રહેલા બે બાઈક અંગે પૂછપરછ કરતાં આજથી વીસેક દિવસ પહેલા સીદસર ગામ ભોળાનાથના મંદિર પાસેથી તથા આજથી ત્રણેક દિવસ પહેલા બપોરના સમયે તળાજા જકાતનાકા ખોડીયાર મંડપ પાસે સીદસર રોડ ઉપરથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિજય વિક્રમભાઇ રાઠોડને બે મોટરસાયકલ મળી કુલ રૂ.૮૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી નિલમબાગ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવ્યો હતો અને આ અંગે વરતેજ પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500