નંદુરબાર શહેરનાં બસ સ્ટેન્ડ નજીક હોટલ રૂમમાં રોકાયેલ એક મુસાફર પાસેથી પોલીસે બાતમીના આધારે દેશી પિસ્તોલ અને જીવંત કારતુસ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળેલ માહિતી મુજબ, હાલમાં નંદુરબાર જિલ્લામાં જિલ્લા અધિકારી દ્વારા લાકડી, તલવાર, બંદૂક કે એવા કોઈ હથિયાર લઈને ફરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં છે. નંદુરબાર પોલીસમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા વિશાલ રાજેન્દ્ર મરાઠેને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નંદુરબાર બસ સ્ટેન્ડ નજીક આવેલ સાઈ પ્લાઝા હોટેલનાં રૂમ નંબર-119માં રોકાયેલ ઈસમ પાસે પિસ્તોલ જોવા મળી છે.
જે અંગે તેમણે શહેર પોલીસ નિરીક્ષક રવીન્દ્ર કળમકરને જાણ કરતાં તેમના માર્ગદર્શન હેઠળ અન્ય પોલીસ અને પંચોની હાજરીમાં ઉપરોક્ત હોટેલમાં રાત્રીના સમયે રેઈડ કરી હતી. દરમિયાન હોટલનો રૂમ નંબર-119 ખોલાવતા એમાંથી એક યુવક મળી આવ્યો હતો અને વધુ તપાસ દરમિયાન તેના કબ્જા માંથી દેશી બનાવટની એક પિસ્તોલ (કટ્ટો) અને પિત્તળનો એક જીવતો કારતુસ પણ મળી આવ્યો હતો.
પોલીસે આ યુવકનું નામ પૂછતાં તેણે તેનું નામ, દીપક મનોજભાઈ યાદવ (ઉ.વ.27)જણાવ્યું હતું અને તે હાલ રામપુર હરગી તા.મછલી શહેર, ઉત્તર પ્રદેશ ખાતે ચાર માસથી રહેતો આવ્યો છે અને એ પહેલાં તે કાંદીવલી મુંબઇ અને અંકુર એપાર્ટમેન્ટ પર્વત ગામ સુરત ખાતે પણ રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી યુવક પાસેથી હાથ બનાવટની દેશી પિસ્તોલ અને કારતુસ કે જેની અંદાજિત કિંમત રૂપિયા 15,600/- જેટલી થાય છે એ કબ્જે કરી તેની સામે મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ અને ભારતીય હથિયાર અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપી યુવક આ દેશી પિસ્તોલનો ક્યાં ઉપયોગ કરવાનો હતો તેની તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500