ગાંધીનગર શહેરનાં સરગાસણની સંગાથ ટેરેસ વસાહતનાં મકાનમાં ત્રાટકેલા તસ્કરે મકાનમાંથી ૨૧.૪૧ લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા હતા. બનાવ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, સરગાસણમાં આવેલી સંગાથ ટેરેસ વસાહતમાં રહેતા કલ્પનાબેન જીગરભાઈ પંડયા અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત રવિવારના રોજ તેમણે કડવા ચોથનું વ્રત રાખ્યું હતું. બેડરૃમનાં કબાટમાં બનાવેલ ડ્રોવરમાં દાગીના મૂકી રાખ્યા હતા. જેની ચાવી કબાટની નીચેના ડ્રોવરમાં મૂકી હતી. કલ્પનાબેને ડ્રોવર ખોલતા અંદર દાગીનાના બોક્સ વ્યવસ્થિત સ્થિતિમાં હતા.
પરંતુ અંદરથી દાગીના ગાયબ હતા. જેમાં સોનાના ત્રણ સેટ, ગળામાં પહેરવાની સોનાની ચેન સાદી ડીઝાઇન વાળી હાથમાં પહેરવાના બ્રેસલેટ બંગડી ભાતના નંગ-૨, એક હાથમાં પહેરવાનો સોનાનો બ્રેસલેટ રેબીટ ડીઝાઇન લોકવાળો, વીંટી, બંગડી, હાથમાં પહેરવાનો પોચો, સોનાના વરખ ચડાવેલ પ્લાસ્ટિકની બંગડી, સોનાનું બ્રેસલેટ, સોનાની બે ચેન મળીને કુલ રૂપિયા ૧૫.૮૯ લાખના દાગીના હતા. જે બાબતે કલ્પનાબેને સાસુને વાત કરતા તેઓએ પણ તેમના રૃમના કબાટ ચેક કર્યા હતા. જેમાથી પણ ગળામાં પહેરવાનું સોનાનું ડોકીયું, સોનાની ચેન, સોનાનું કડું, સોનાની વાળી, બે સોનાની વિટ્ટી, ત્રણ સોનાની સાદી બંગડી કુલ રૂપિયા ૫.૪૫ લાખના દાગીના તેમજ ૧૦ હજાર રોકડા રૂપિયા ચોરાયાનું જણાયું હતું. ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી અને તપાસ કરતા એક ચોર સીસીટીવીમાં કેદ પણ થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500