સુરતનાં અડાજણમાં પ્રાઈમ આર્કેડ પાસે ભીડથી ભરચક વિસ્તારમાં મુખ્ય માર્ગ પર જ આવેલી રણછોડનગર સોસાયટીના ઘરમાંથી ગત તા.21 ફેબ્રુઆરીનાં રોજ સવારે લૂંટની ઘટના બની હતી. જોકે ઘરમાં રહેતા વૃદ્ધ દંપતીને પાંચ લૂંટારોએ ચપ્પુની અણીએ બંધક બનાવી 7 લાખ રૂપિયા રોકડાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ત્યારે લૂંટની આ ચકચારી ઘટનામાં રાંદેર પોલીસે લૂંટના મુખ્ય આરોપી મોહમ્મદ ઉબેદ લાલ મોહનચંદ સિદ્દીકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
જ્યારે લૂંટનાં સંડોવાયેલ અન્ય ચારનાં નામ પણ ખુલવા પામ્યા છે. જેને લઇ પોલીસે તમામને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે અને લૂંટના રૂપિયા રિકવર કરવા માટે પણ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, અડાજણ પ્રાઇમ આર્કેડ સામે રણછોડનગર A/11માં રહેતા અને નવયુગ કોલેજમાંથી નિવૃત્ત પ્રોફેસર શિવરામ કાશીરામ પટેલ (ઉ.વ.72) અને તેમની પત્ની નીતાબેનને મંગળવારે સવારે સવા સાત વાગ્યાના અરસામાં ચપ્પુ સાથે ધસી આવેલા પાંચ લૂંટારુઓ બાંધીને રોકડા 7 લાખ રૂપિયાની લૂંટ કરી ગયા હતા.
જેથી રાંદેર પોલીસે આ ગુનામાં લિંબાયતનાં હનુમાન મહોલ્લામાં રહેતાં અને ફતેપુરના વતની ઉબેદ ઉર્ફે લાલમોહમંદ સિદ્દીકને પકડી 32 હજાર રૂપિયા રોકડાં કબજે કર્યા હતા. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી તેનાં 12 દિવસના રિમાન્ડ મેળવાયા હતા. આરોપીની કબુલાતમાં લૂંટમાં સંડોવાયેલાં વધુ ચાર નામો બહાર આવ્યા હતા. તે દિવસે લૂંટ કરવા ઉબેદ સાથે આસિફખાન, ઇર્ષાદ સિદ્દીક ઉર્ફે ઇશાક ટમાટર, મોહમંદ અરમાન અને મો. જીશાન ઉર્ફે માયા આવ્યા હતા.
જયારે ગેંગનો મુખ્ય સૂત્રધાર ટામેટાં ગેંગનો સાગરિત અને ગુજસીટોકના ગુનામાં વચગાળાના જામીન ઉપર ફરાર સોયેબ ઉર્ફે સીટી જ મોટેભાગની રોકડ લઇ ફરાર થઇ ગયો હોવાનું મનાઈ રહ્યું છે. સોયેબને કોઇ સ્થાનિકે જ ટીપ આપી હોવાની આશંકા સાથે પોલીસ તપાસ કરી રહી છે. જોકે આ મામલે પોલીસ સત્તાવાર રીતે કંઈ કહેવા તૈયાર નથી. ઝોન ફાઈવ ડીસીપીએ જણાવ્યું હતું કે, વૃદ્ધ દંપતીને ચલાવવાની ઘટનામાં પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે.
તેની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. પોલીસને કોર્ટમાંથી 12 દિવસનાં રિમાન્ડ મળ્યા છે અન્ય ચાર લૂંટારો ફરાર છે. તેમની વિગત મેળવવાની અને તેમને પકડવાની કામગીરી ચાલી રહી છે. જુદી-જુદી સર્વેલેન્સ અને હ્યુમન ટ્રાફિકની ટીમ કામે લગાવી છે. દંપતીને બંધક બનાવી ઘરમાંથી 7 લાખ રૂપિયાની કરેલી લૂંટનાં રૂપિયા પકડાયેલા આરોપી પાસેથી મળી આવ્યા નથી. આમ પોલીસ રૂપીયા રિકવર કરવા માટે પણ તપાસ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500