ચીખલી નજીકનાં સમરોલીનાં વ્યક્તિ પાસે અવારનવાર વ્યાજનાં નાણાંની ઉઘરાણી કરી ગાળો આપનાર ખૂંધ ગામનાં શખ્સ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, સમરોલી કચ્છ કડવા પાટીદાર સમાજની વાડીની બાજુમાં રહેતા અને ફરિયાદી શાંતિલાલ સોમજીભાઈ પટેલ ઘરની બાજુમાં કચ્છ વિજય સો મિલ નામનો ડેન્સો ચલાવે છે. તેમના મોટા દીકરાનાં 29 નવેમ્બર 2022નાં રોજ લગ્ન નક્કી કર્યા હતા.
જોકે લગ્ન પ્રસંગ માટે પૂરતા રૂપિયા નહીં હોય વ્યાજે લેવાનું નક્કી કર્યું હતું. જેથી તેઓએ વ્યાજે નાણા આપતા વિજય જાદવ (રહે.ખૂંધ, તા.ચીખલી) નાંનો સંપર્ક કરતા તેમણે રોયલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં તેની ઓફિસે તા.16 નવેમ્બર 22નાં રોજ જતા અને રૂપિયા 17,00,000/- વ્યાજે આપવાની માંગણી કરતા તેમને હા પાડેલી પરંતુ તેની માંગણી અનુસાર સિક્યુરિટી પેટે શાંતિલાલ પટેલે તેમના પિતાના નામે સમરોલીમાં આવેલા મકાનનો વેચાણ સાટાખત લખી આપી બેન્ક ઓફ ઇન્ડિયાના તેમના ખાતાના આઠ જેટલા કોરા ચેક પર સહી કરી આપ્યા હતા.
ત્યારબાદ માસિક રૂપિયા 1.70 લાખ વ્યાજ નક્કી કરી 17 લાખ રૂપિયા આપ્યા હતા અને તેમાંથી પ્રથમ હપ્તાના રૂપિયા 1.70 લાખ કાપી લીધા હતા. આ વ્યાજ ખૂબ વધારે હોય અને તેમની આર્થિક સ્થિતિ સારી નહીં હોય ત્યારબાદનાં વ્યાજનાં હપ્તાના નાણાં ચૂકવી નહીં શકતા અવારનવાર વિજય જાદવ વ્યાજની ઉધારાણી કરી ગાળો આપતો હોવાની ફરિયાદમાં પોલીસે વિજય અશોક જાદવ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500