મૂળ બિહારનો પરિવાર વર્ષોથી બીલીમોરાનાં આંતલિયા ગામે ખાતે રહે છે. જોકે આંતલિયા ગામનાં શિવ શક્તિનગરમાં રહેતા અને ચીખલીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા 27 વર્ષીય રાજા સુરેન્દ્ર સિંહ રાજપૂત આંતલિયા ખાતે રહેતી 16 વર્ષીય સગીરા સાથે મળી જતાં બંને વચ્ચે પ્રેમ ખીલી ઊઠ્યાં હતાં, જેની સુવાસ બંનેનાં પરિવારો સુધી પહોંચતાં તેમણે એકાદ વર્ષ અગાઉ તેમને પતિ-પત્ની તરીકે સાથે રહેવાની મંજૂરી આપી હતી અને સગીરાની ઉંમર 18 વર્ષની થાય ત્યારે લગ્ન કરાવવાનાં હતાં.
જોકે સગીરા ઘરે બાળકોને ટ્યૂશન આપતી હતી અને રાજા સુરેન્દ્ર સિંહ રાજપૂત ચીખલીની વારી કંપનીમાં નોકરી કરતો હતો. જોકે શરૂઆતમાં તો બધું સારું ચાલ્યું હતું પરંતુ વખત જતાં પ્રેમીને દારૂની લત લાગતાં તે નશાના રવાડે ચડ્યો હતો. આ બાબતે સગીર પ્રેમિકા પ્રેમીને નશો ન કરી રેગ્યુલર નોકરી કરવા માટે સમજાવતી હતી. આ બાબતે અવારનવાર પ્રેમિકા વિરોધ કરતાં ઝઘડા પણ થતા હતા. જોકે ગુરુવારે થયેલો વિરોધ અને ઝઘડો સગીરાનો અંતિમ વિરોધ સાબિત થયો હતો.
જયારે ગુરુવારે રાત્રે રાજા નશો કરીને ઘરે આવતાં બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. એ વખતે નોકરી પર નાઈટમાં જવા નીકળેલો તેનો ભાણેજ અજય રાજપૂત ઝઘડાનો અવાજ સાંભળી ઘરે આવ્યો હતો. તે અંગે સગીરાએ ફરિયાદ કરી હતી કે, તમારો મામો દારૂ પીને મારી સાથે ઝઘડો કરે છે, આથી અજય મામાને ચૂપચાપ સૂઈ જવાનું જણાવી નોકરી પર નીકળી ગયો હતો. વહેલી સવારે અજયને તેના મિત્રએ ફોન કરી જણાવ્યું કે, તારી મામી મરી ગઈ છે, આથી અજય ઘરે દોડી આવ્યો ત્યારે તેણે જોયું કે સગીરાની લાશ નીચે પડેલી હતી અને રાજાની લાશ પંખા સાથે દુપટ્ટામાં ઝૂલી રહી હતી.
બનાવ અંગે અજય રાજપૂતે બીલીમોરા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરતાં સગીરાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ રાજાએ સીલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધી પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મરનાર રાજા વિરુદ્ધ કાજલની હત્યાનો ગુનો નોંધી લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી, જેની વધુ તપાસ બીલીમોરા પી.આઈ. કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500