ખેરગામનાં પાટી ગામના બાવીસા ફળિયામાં રહેતા વલ્લભભાઈ મોતીભાઈના ઘરે રાત્રે અચાનક આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જયારે આગને પગલે ઘાસ ચારો સહિત ઘરવખરીનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. પાટી ગ્રામ પંચાયત દ્વારા પંચકયાસ કરી પરિવારને સહાય મળે તે માટે તજવીજ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ખેરગામ તાલુકાના પાટી ગામના બાવીસા ફળિયામાં રહેતા વલ્લભભાઈ મોતીભાઈના ઘરે રાત્રે 9 થી 9:30 દરમિયાન રસોડામાં ગેસના ચૂલા ઉપર શાક મૂકી પરિવાર બહાર બેઠો હતો.
તે દરમિયાન અચાનક ઘરના માળ ઉપર દુધાળા પશુ માટે મુકેલો ઘાસચારામાં આગ લાગી જતા પરિવાર સહિત આજુ-બાજુનાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે દોડી આવેલા આજુ-બાજુનાં લોકોએ આગ ઉપર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ભયભીત થયેલા લોકોએ ઘટનાની જાણ ધરમપુર અને ચીખલી ફાયર બ્રિગેડને કરાઇ હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
પરંતુ દુધાળા પશુનો ઘાસ ચારો, પતરા લાકડાના દાડા, પલંગ, ગાદલા, ચાદર-પંખા અનાજ સહિત ઘર વખરીનો સરસામાન આગમાં બળીને ખાખ થઈ જતા પરિવારની હાલત દયનીય બની ગઇ હતી. પાટી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા પરિવારને સહાય મળે તે માટે પંચકયાસ કરાયો હતો. આગની ઘટનામાં પરિવારને હજારો રૂપિયાનું નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500