ડાંગ જિલ્લામાંથી ધીરે ધીરે દીપડાની પ્રજાતિ નવસારી જિલ્લા તરફ સ્થળાંતરિત થઈ રહી છે. નવસારી જિલ્લામાં શેરડીનાં ખેતરોમાં દીપડાને હુંફ મળે છે તો સાથે જ પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીમાંથી પીવાના પાણીની જરૂરિયાત સંતોષાય છે. જેથી પરિવાર સહિત દીપડાઓ અહીં મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. દિપડાઓ અત્યાર સુધી નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં જ જોવા મળતા હતા, પરંતુ હવે પશ્ચિમ વિભાગનાં ગામડાઓમાં પણ દીપડાની દહેશત વધી છે.
જેથી જ્યાં સુધી દીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોનો શ્વાસ અધ્ધર રહે છે. દક્ષિણ ગુજરાતમાં જંગલો બોડા થતા દીપડાની પ્રજાતિ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે સાથે તેમના ખોરાકનો પણ પ્રશ્ન વિકટ બનતા દીપડાઓ મોટાભાગે રહેણાંક મકાનમાં નાના બાળકો, મરઘી શ્વાન પર હુમલો કરતા સતત જોખમી સાબિત થઈ રહ્યા છે. આ વચ્ચે નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ એક પશુનું મારણ કર્યું હતું. જેને પગલે ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. જોકે, વનવિભાગની ટીમે વાંસદા તાલુકાના કાવડેજ ગામમાંથી દીપડાને પાંજરે પુર્યો હતો. જેથી ગ્રામજનો સહિત તમામે રાહતનો શ્વાસ લીધો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500