ચીખલીનાં ચાસા ગામે મસ્જીદ પાસેથી એક કાર માંથી આધાર પુરાવા વગર પૂંઠાનાં બોક્ષમાં સોલાર સેલનો જથ્થો મળી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ચીખલી પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ઇકો કાર નંબર GJ/21/CB/5270માં ત્રણ જેટલા ઇસમો પૂંઠાનાં બોક્ષમાં સોલારનાં ફોટોવોલ્ટીક સેલ ભરી આલીપોર-દેગામથી ચાસા ગામ તરફ જનાર છે.
જે બાતમીનાં આધારે ચીખલી પોલીસે ચાસા ગામે મસ્જીદ પાસે વોચ ગોઠવીને બેઠા હતા. તે દરમિયાન બાતમી મુજબની ઇકો કાર આવતા જોઈ તેને રોકી તલાસી લેતા અંદરથી પૂંઠાનાં બોક્ષમાં સોલાર સેલનો જથ્થો મળી આવતા અને આધાર પુરાવા માંગતા ન હોવાનું જણાવતા આ જથ્થો કોઈ જગ્યાએથી ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા જતા પોલીસ દ્વારા કડીવાલાએ ઊંડાણપૂર્વક તપાસ કરતા આ જથ્થો દેગામ સ્થિત વારી એનર્જીસ લિમિટેડ કંપનીનાં સ્ટોર રૂમમાંથી ચોરેલ હોવાનું બહાર આવ્યું હતું.
આ ઉપરાંત બીજો જથ્થો બામણવેલ ગામનાં કલવાચ ફળીયામાં રહેતા દશરથ રમણભાઈ પટેલનાં ઘરે સંતાડેલ હોવાનું તપાસ બહાર આવતા પોલીસે ઇકો કારમાંથી તેમજ બામણવેલ ગામે ઘરમાં સંતાડેલ કુલ 96 જેટલા કાર્ટૂનનાં પૂંઠાનાં બોક્ષમાં રાખેલ 1,38,240 સોલારનાં ફોટોવોલ્ટીક સેલનો રૂપિયા 1,38,24,000/-નો જથ્થો ઝડપી પાડી ઇકો કાર જેની કિંમત રૂપિયા 2,00,000/- તથા મોબાઈલ મળી કુલ રૂપિયા 1,40,25,500/-નાં મુદ્દામાલ કબ્જે કરી મનીષ દિનેશભાઇ નાયકા (હાલ રહે.એંધલ વાંઝરી ફળીયા, ચીખલી, મૂળ રહે.ધડોઇ ઘોપડા ગામ, મહુવા, જિ.સુરત), મિલન શંકરભાઇ પટેલ તથા પ્રીતેશ વિજયભાઈ પટેલ (બંને રહે.તલાવચોરા વચલા ફળીયા તા.ચીખલી) એમ ત્રણ જેટલા સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500