નવસારીમાં સ્ટેટ વિજિલન્સે છાપરા રોડ ખાતે દારૂનો ધંધો કરતા એક શખ્સને રૂપિયા એક લાખના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે બીજા બનાવમાં બીલીમોરાથી સુરત જતી બસમાંથી ત્રણ મહિલાઓ પાસેથી રૂપિયા 62 હજારનો દારૂનો જથ્થો ઝડપીને ડીલીવરી લેનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રથમ બનાવમાં શનિવારના રોજ સ્ટેટ વિજિલન્સે ટીમને મળેલ બાતમીના આધારે છાપરા રોડ ખાતે આર.બી.પટેલ ઇન્સ્ટિટ્યૂટની ગલીમાં જાહેર રોડ ખાતેથી દારૂનો ધંધો કરતા 26 વર્ષીય સ્ટેલીન રાજુભાઈ ક્રિશ્યનને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 810 જેની કિંમત રૂપિયા એક લાખ રૂપિયા સાથે ઝડપી પાડ્યો હતો.
ત્યારબાદ પોલીસે તેની પૂછપરચ હાથ ધરતા દારૂનો જથ્થો ભરાવનાર બે ઈસમોમાં નવસારી બાપુનગર ખાતે રહેતો પીન્ટુ પટેલ અને વિરાવળ રહેતા રવિ ઉર્ફે રવલો પટેલના નામ ખુલ્યા હતા જેઓ સ્ટેલીન ક્રિશ્યનને ઈકો કાર નંબર GJ/06/PJ/9809માં દારૂ આપી ગયા હતા. જયારે પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો નવસારીના મંકોડિયા ખાતે રહેતા પીન્ટુ પટેલ નામના ઈસમને પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું હતું અને દારૂના જથ્થા ભરાવનાર અને દારૂ લેનાર તેમજ ઇકો કારનો અજાણ્યો માલિક સહિત ચારને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં નવસારી ટાઉન પોલીસને મળેલ બાતમીના આધારે બીલીમોરાથી સુરત જતી બસની જુનાથાણા ખાતે અટકાવી બસમાં બેસેલ મુસાફરોની તલાસી લેતાં હતા તે સમયે 45 વર્ષીય ગણદેવીના પોસરા ગામની ભૂલા ફળિયા ખાતે રહેતી મહિલા કોકીલાબેન અમૃતભાઈ કોળી પટેલ, વલસાડ જિલ્લાના માલવણ ગામની આગળ ફળિયા ખાતે રહેતી 40 વર્ષીય મહિલા કલ્પનાબેન પ્રવીણભાઈ પટેલ અને વલસાડ જિલ્લાના માલવણ ગામની આગળ ફળિયામાં રહેતી 50 વર્ષીય રેખાબેન ભગુભાઈ પટેલ પાસેના થેલામાં રહેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 620 નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 62,000/- હતી આ સાથે જ પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી ત્રણેય મહિલાની અટકાયત કરી હતી. પોલીસે પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો સુરત ખાતે ચંદન નામના શખ્સને પહોંચાડવાનો હોવાનું મહિલાએ કબૂલ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500