ગણદેવી રોડ પર ચાની લારી ચલાવતી તલોધની મહિલા ઉપર ઉધાર લીધેલા રૂપિયાની ઉઘરાણી કરવા આવેલ બીજી મહિલા સાથે બોલાચાલી થતાં માઠું લાગી આવતા મહિલાએ તેના ઘરમાં પંખા સાથે સાડીથી ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવી લેતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તલોધનાં સિંગલ ફળિયામાં રહેતી સુમિત્રાબેન શુક્કરભાઈ પટેલ (ઉ.વ.52) જેઓ ગણદેવી રોડ પર ચાની લારી ચલાવતા હતા અને તેમના રોજિંદા ક્રમ મુજબ તેમનો પુત્ર ધર્મેશ માતા સુમિત્રાબેનને ચાની લારી ઉપર છોડીને મજૂરી કામે નીકળી ગયો હતો.
તે દરમિયાન જ્યાં બપોરે 11.30 વાગ્યે તેની બાજુમાં રહેતા અમિતભાઈનો ફોન આવ્યો કે, ‘તારા ઘરે બોલાચાલી થઈ રહી છે’ જેથી ધર્મેશ તરત ઘરે પહોંચ્યા જ્યાં તેના પિતા શુક્કરભાઈ ઘરની બહાર બાંકડા ઉપર બેઠા હતા. જ્યારે તે ઘરની અંદર ગયો અને જોયું તો તેના પગતળેથી જમીન સરકી ગઈ હતી. તેની માતા સુમિત્રાબેન ઘરના પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો.
જયારે ઘટના બાબતે જાણવા મળ્યું હતું કે, મૃતક સુમિત્રાબેને કોઈ મહિલા પાસેથી ઉધાર રૂપિયા લીધા હતા. જે નાણાં પરત માંગવા આવેલી મહિલા સાથે સુમિત્રાબેનનો ઝઘડો થયો હતો. આ બાબતે માઠું લાગી આવતા તે મહિલાના ગયા બાદ સુમિત્રાબેને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું કહેવાય છે. ઘટના અંગે મૃતકના પુત્ર ધર્મેશે બીલીમોરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500