ચીખલીનાં કુકેરી ગામે લાકડા ભરવા બાબતે બે મિત્ર વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ બની જતા મિત્રએ મિત્રને માર માર્યો હતો. જેને પગલે તબીબી સારવાર મળે તે પહેલાં જ એક મિત્રનું મોત નિપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો.
બનાવની વિગત એવી છે કે, ચીખલી તાલુકાનાં રાનવેરીકલ્લા ગામના ગણેશ ફળિયામાં રહેતા હિતેશ અમ્રતભાઈ પટેલ અને કલ્પેશ અમ્રતભાઈ પટેલ તેમજ ગામના અન્ય યુવકો સંકેત પટેલ, જૈનેશ પટેલ, મંગુભાઇ પટેલ તેમજ વિશાલ વિજયભાઈ પટેલ સાથે ચિતાલીના સલીમભાઈ જે લાકડાના વેપારી હોય તેમના કહેવાથી કુકેરી ગામે શાંતાબા હોસ્ટેલની બાજુમાં આવેલી આંબાવાડીમાં ટ્રેક્ટરમાં લાકડા ભરવાની મજૂરી કામે ગયા હતા.
તે દરમિયાન સવારનાં 11 વાગ્યાના અરસામાં ટ્રેક્ટરમાં લાકડા ભરતા હતા. તે સમયે હિતેશ પટેલે વરસાદ પડતો હોવાથી લાકડા ભીના હોય આ બાબતે વિશાલ પટેલને કહ્યું હતું. જેને પગલે અચાનક ઉશ્કેરાયેલા વિશાલ પટેલે ગાળો આપતા કલ્પેશ પટેલે ગાળો આપવાની ના પાડી હતી. બાદમાં કુકેરીથી રાનવેરીકલ્લા ઘરે જવા નીકળેલા ત્યારે વિશાલ પટેલે જતા જતા જણાવેલું કે, આજે તમો ઘરે આવો તમને પતાવી જ દઉં કહી ત્યાંથી નીકળી ગયો હતો.
જોકે બાદમાં સાંજનાં સમયે હિતેશ અને કલ્પેશ સાથે અન્ય લોકો મજૂરી કામ પતાવી સાંજના 5.30 વાગ્યાના અરસામાં ઘરે આવ્યાં હતા. તે અરસામાં વિશાલ પટેલે અચાનક જ આવી કલ્પેશને ગાળો આપી હિતેશને ઢીકમુક્કીનો માર માર્યો હતો. જેથી હિતેશને મારથી બચાવવા વચ્ચે પડેલ માતા અને પત્નીને પણ મારમારી ધક્કો મારી દીધો હતો. બાદમાં વિશાલે દોડીને દોડીને કલ્પેશને માર મારી પાકા ડામર રોડ પર જોરથી પછાડી દઈ મોઢા તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા કલ્પેશ રોડ પર જ ઢળી પડ્યો હતો.
જોકે ઈજાને કારણે કલ્પેશભાઈને 108મા ટાંકલ પીએચસીમાં સારવાર અર્થે લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મૃતકના ભાઈ હિતેશ અમ્રતભાઈ પટેલ (ઉ.વ.32, રહે.રાનવેરીકલ્લા,ગણેશ ફળિયા,ચીખલી) નાએ ફરિયાદ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી વિશાલ વિજયભાઈ પટેલ (રહે.રાનવેરીકલ્લા,ગણેશ ફળિયા,ચીખલી) નાની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500