અમદાવાદનાં ધોળકામાં મીઠીકુઈ પાસે, દેવતીર્થ સોસાયટીમાં રહેતા મનિષ ધીરૂભાઈ પટેલ તેમના મિત્ર નરેન્દ્રભાઈ વિરમભાઇ ઠાકોર (રહે.ધુરજીપુરા,તા.ધોળકા,જિ.અમદાવાદ) નાની ઇનોવા કાર નંબર GJ/01/HW/3525માં અન્ય મિત્રો સાથે શિરડી જવા માટે તા.5નાં રોજ નીકળ્યા હતા. જોકે તેઓએ શિરડી રોકાયા બાદ સવારે સાંઈબાબા અને શનિદેવ ભગવાનનાં દર્શન કરી સાપુતારામાં રાત્રિ રોકાણ કરી બુધવારનાં રોજ ઘરે જવા માટે નીકળ્યા હતા.
તે દરમિયાન વાંસદા-ચીખલી રાજ્ય ધોરીમાર્ગ પર કુકેરી ગામની સીમમાં શેરડી ભરીને આવી રહેલ નંબર GJ/16/X/9368નાં ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ડિવાઇડર સાથે અથડાવી દઈ રોંગ સાઈડે આવી જઈને ઇનોવા કારને ટક્કર મારી હતી. જેને પગલે ઇનોવા પલ્ટી મારી નહેરમાં ખાબકી હતી. આ નહેર માઇનોર કેનાલ હોવા સાથે પાણી પણ ઓછું હતું. આ દરમિયાન ઈનોવા કારમાં સવાર મિત્રોએ બૂમાબૂમ કરતાં સ્થાનિકો ઘટના સ્થળે ધસી આવ્યા હતા. જોકે કારમાં સવાર ઘનશ્યામ કાળુભાઈ ટોટા (રહે.આમલીયારા ગામ,તા.ધોળકા, જિ.અમદાવાદ)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
જયારે સ્થાનિકોએ અન્ય ઇજાગ્રસ્તોને પાણીમાંથી બહાર કાઢી 108 દ્વારા સારવાર અર્થે ચીખલીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરનાં તબીબે પ્રકાશ રમણભાઈ પટેલ (રહે.ચલોડા ગામ, તા.ધોળકા, જિ.અમદાવાદ) નાને મૃત જાહેર કર્યા હતા. આ ઉપરાંત કારમાં સવાર નારણ સરધનભાઈ ભરવાડ તથા નરેન્દ્ર વિરોમભાઈ ઠાકોર, અરવિંદ રણછોડભાઇ ઠાકોરને નાની-મોટી ઈજા થઈ હતી. જયારે આ અકસ્માતમાં કારનો ભૂખો થઈ હતો અને અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળે ઉપરથી ફરાર થઈ ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500