નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં જંગલી ભૂંડનેને કારણ ખેતીના પાક ઉપર મોટું નુકસાન થવાની ફરિયાદ ખેડૂતો કરતા આવ્યા છે. પરંતુ હવે જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે, તેના કારણે લોકોના જાનમાલને પણ નુકસાન પણ થઈ રહ્યું છે. નવસારી તાલુકાના ખેરગામમાં ગતરોજ સાંજે વાડીમાં ચારો લેવા ગયેલી વૃદ્ધ મહિલા ઉપર જંગલી ભૂંડોના ઝૂંડે હુમલો કરતાં પગ અને શરીરના ભાગે ગંભીર ઇજા થયા બાદ વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ખેરગામના પટેલ ફળિયામાં રહેતી 65 વર્ષીય વિજયા અમૃત નાયકાને પરિવારમાં બે છોકરાઓ છે, જે પૈકી એક પુત્ર મહેશ અને માતા ચારો કાપવા માટે અલગ અલગ વાડીમાં ગયા હતા.
જ્યાં દીકરા મહેશે વાડીમાંથી ચારો લાવીને ઘરે આવ્યા બાદ માતાનો પત્તો ન લાગતાં તેની શોધખોળ કરી હતી. ત્યારે આશરે આઠ વાગ્યે માતાની લાશ વાડીમાં જોઈ હતી. ત્યારે તેઓ તાત્કાલિક માતાને ગણદેવી આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. જ્યાં વૃદ્ધ મહિલાને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. જોકે આ સમગ્ર મામલે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.
છેલ્લા અનેક સમયથી ખેતીમાં વાવેલા માલને ભૂંડ નુકસાન પહોંચાડી રહ્યા છે, જેની ફરિયાદ વર્ષોથી થતી આવી છે. પરંતુ વનવિભાગે આ મામલે કંઈ ખાસ ધ્યાન ન આપતાં એક આધેડ મહિલાને પોતાના જીવથી હાથ ધોવો પડ્યો છે. ત્યારે સમગ્ર મામલે ખેતીવાડી વિભાગ અને વનવિભાગ સંયુક્ત કામગીરી કરી ખેડૂતોને ભૂંડના ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500