Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ન્યૂઝીલેન્ડનાં ઓકલેન્ડમાં રહેતા જલાલપુરનાં વડોલી ગામનાં યુવકની લૂંટારાઓએ હત્યા કરી, આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરવાની પરિવારજનોની માંગ

  • November 27, 2022 

નવસારીનાં જલાલપુર સહિત કાંઠા વિસ્તારનાં ગામોનાં અનેક યુવાનો રોજગારી અર્થે અમેરિકા, લંડન સહિતનાં વિદેશી દેશોમાં સ્થાયી થયા છે. જયારે મૂળ જલાલપુર તાલુકાનાં વડોલી ગામનાં અને હાલ ન્યૂઝીલેન્ડનાં ઓકલેન્ડમાં રહેતા 32 વર્ષીય જનક પટેલની લૂંટારાઓએ હત્યા કરી હતી. ઓકલેન્ડ ખાતે આવેલી એક દુકાનમાં બે દિવસ અગાઉ લૂંટારાઓ ત્રાટક્યા હતા. મિત્રની દુકાનમાં લૂંટના ઇરાદે આવેલા લૂંટારાઓએ ડોલરની માંગ કરતી વેળા તેમનો વિરોધ કરવા જતાં પત્નીની નજર સામે જ ભારતીય યુવકને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે આ ઘટનાને પગલે ઓકલેન્ડમાં ચકચાર મચવા સાથે પારિવારિક સભ્યો સહિત ગામમાં શોક પ્રસરી ગયો છે.



દુનિયાની મહાસત્તા ગણાતા અમેરિકા, ન્યૂઝીલેન્ડ પણ હવે અશ્વેત લૂંટારાઓથી ભારતીયોને સુરક્ષા આપી શકતું નથી. ઓકલેન્ડમાં રહેતા ધર્મેશ પટેલે લગ્નપ્રસંગ માટે નવસારીમાં આવવાનું હોવાથી મિત્ર જનકને પોતાની જનરલ સ્ટોર ચલાવવા આપ્યો હતો. આ દરમિયાન તા.23 તારીખે સવારે 8:30 વાગ્યે દુકાનમાં લૂંટારાઓ ત્રાટકયા હતા. આ લૂંટારાઓનો જનક પટેલે પ્રતિકાર કરતાં તેમણે તેની પત્નીની સામે જ તેના ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ચપ્પુના 8થી 10 જેટલા ઘા ઝીંકી ભારતીય યુવાનનું મોત નીપજાવ્યું હતું.



ત્યારબાદ લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. નવસારીથી 8 મહિના અગાઉ જ ન્યૂઝીલેન્ડ સ્થાયી થવા ગયેલા યુવાનને મિત્રની શોપને લૂંટતી બચાવવા જતાં મોત મળ્યું હતું, જેથી ઓકલેન્ડમાં વસતા ભારતીયોમાં પણ ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે. જલાલપોર તાલુકાના મરોલી કાંઠા વિસ્તારનાં વડોલી ગામના વતની અને NRI યુવાન એવા જનક કાળીદાસભાઈ પટેલના લગ્ન અઢી વર્ષ અગાઉ જલાલપોર તાલુકાનાં નીમલાઈ ગામની વિજેતા પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ બંને દંપતીઓ કોરોનાકાળ દરમિયાન ન્યૂઝલેન્ડ જઈ શક્યા નહોતાં.




પરંતુ બાદ 8 મહિના અગાઉ જ જનક પટેલ તેની પત્ની સાથે ન્યૂઝીલેન્ડનાં હેમિલ્ટન ખાતે સ્થાયી થવા માટે ગયા હતા, જ્યાં તેમની બહેન પણ ત્યાં રહેતી હોવાથી દુકાનમાં કામ કરી ગુજરાન ચલાવતા હતા. તે દરમિયાન આ દુઃખદ ઘટના બની હતી. જલાલપોરના વડોલી ગામે રહેતા પરિવારજનોએ પણ આ સમગ્ર મામલે આરોપીઓને ઓકલેન્ડની સ્થાનિક પોલીસ ઝડપથી પકડી પાડી તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરે એવી માંગ કરી છે સાથે જ લાંબા સમયથી ભારતીયો સાથે આવા પ્રકારની ઘટનાઓમાં વધારો થયો છે, એ અટકવી જોઈએ અને ભારત સરકારે પણ મધ્યસ્થી કરીને આવી ઘટનાઓ ન બને એને લઈને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સમજૂતી થાય એવી માંગ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application