નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા નજીકથી ટ્રકમાં કંતાનોની આડમાં લઇ જવાતો વિદેશી દારૂનાં રૂપિયા 23 લાખનાં જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા, જયારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો. ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી હોવાથી પોલીસે બુટલેગરો સામે ઘોંચ વધારી દીધી છે અને ખાસ કરીને પાડોશી રાજયોમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ન ઘુસાડી દેવાય તે માટે ચેકપોસ્ટો પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લાનાં માર્ગે મહારાષ્ટ્રમાંથી વિપુલ માત્રામાં દારૂ ઘુસાડવાનાં બુટલેગરોનાં પ્રયાસને લોકલ ક્રાઇમ બ્રાંચે નિષ્ફળ બનાવ્યો છે. નર્મદા LCB પી.આઇ. તથા તેમની ટીમે ચોકકસ બાતમીનાં આધારે માચ પાટીયા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાન પાર્સિંગની ટ્રકને રોકી તલાશી લેવામાં આવી હતી.
જેમાં કંતાનનો જથ્થો ભર્યો હતો પણ તપાસ કરવામાં આવતાં કંતાનનાં જથ્થાની અંદર સંતાડેલી વિદેશી દારૂની 443 પેટી મળી આવી હતી. જેની કિમંત 23 લાખ રૂપિયા થવા જાય છે. પોલીસે ટ્રકના ડ્રાયવર અને રાજસ્થાનનાં રતનપુરના રહેવાસી સંપતલાલ કલાલા અને કલીનર નંદકિશોર પ્રજાપતિની ધરપકડ કરી હતી.
જોકે દારૂનો જથ્થો હરિયાણાનાં રેવાડીનાં રહેવાસી જયેશ માલીએ મોકલ્યો હોવાની વિગતો બહાર આવતાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે. આમ, પોલીસે 23 લાખનો દારૂ તથા ટ્રક મળી કુલ 33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500