નર્મદાનાં નાંદોદ તાલુકાના માંડણ ગામ પાસે પ્લાસ્ટિકનાં દાણા ભરેલી ટ્રક ચાલક અને ક્લીનરને બાઈક ઉપર આવેલા ત્રણ જેટલા લૂંટારૂઓએ મારમારી રોકડા 10 હજાર અને બે મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ત્યારે લૂંટના ગુનાને અંજામ આપનાર આરોપી પૈકી એકને નર્મદા એલ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બે નાસી છૂટેલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. આમ, નર્મદા એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. ફરિયાદી ટ્રક ચાલક સાગર રામરાવ પાટીલ ગત તા.4 જુલાઈના રોજ ટ્રકમાં અમદાવાદથી પ્લાસ્ટિકના દાણા ભરી ધુલિયા ખાતે જાવા નીકળ્યા હતો.
ત્યારે નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં માંડણ ગામ પાસે અચાનક પાછળથી બાઈક ઉપર આવેલા 18થી 25 વર્ષના ત્રણ જેટલા યુવકોએ રસ્તા વચ્ચે બાઈક આડી કરી ટ્રકની કેબિનમાં ચઢી જઈ ચાલક અને ક્લીનરને મારમારી તેમની પાસેથી રોકડા 10 હજાર અને 2 મોબાઇલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જેથી નર્મદા એલ.સી.બી. પો.ઇન્સ. અને તેમની ટીમના માણસો વી.વી.આઇ.પી મુવમેન્ટ સાગબારાથી રાજપીપળા પરત આવી રહ્યા હતા.
જેથી ચાલક અને ક્લીનરે તેમને અટકાવી બનેલી ઘટના અંગે કહેતા ચાલકની બતાવેલી દિશામાં પોલીસે આરોપીનો પીછો કરતા લૂંટ કરી ભાગેલા આરોપીઓની બાઈક અમલેથા અને સણદરા ગામ વચ્ચે કાદવમાં ફસાઈ જતા પોલીસે એક આરોપી નામે શૈલેષ રણછોડ વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય બે આરોપી મનીષ વસાવા તથા ઉદય નિલેશ વસાવા અંધારાનો લાભ લઇ નાસી ગયા હતા. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી રોકડ રકમ 6,600/-, 3 નંગ મોબાઈલ તેમજ ગુનામાં વપરાયેલી બાઈક કબ્જે કરી તેની ધરપકડ કરી હતી. જ્યારે ભાગી ગયેલા બે આરોપીને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500