નર્મદાનાં ડેડીયાપાડાથી એસ.ટી બસ અંક્લેશ્વર જવા રવાના થઈ હતી, જોકે બસ અંક્લેશ્વર પહોંચે તે પહેલા જ સામરપાડા સીદી ગામ નજીક બાઇક ચાલકને બચાવવા જતાં બસ પલટી મારી હતી. આ અકસ્માતમાં ઘાયલ અમુક મુસાફરોને સારવાર અર્થે ડેડીયાપાડાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યારે વધુ ઘાયલ બાઈક ચાલક તથા 4 મુસાફરોને વધુ સારવાર અર્થે રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. ઘટના અંગે ડેડીયાપાડા પોલીસ અકસ્માતને પગલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત એવી છે કે, ડેડીયાપાડાના નાની બેડવાણથી અંકલેશ્વર જતી એસ.ટી બસ સામરપાડા સીદી ગામ નજીક પહોંચી ત્યારે બાઈક ચાલકને બચાવવા જતાં બસ અચાનક પલટી ગઇ હતી. આ અકસ્માતને પગલે મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ હતી, તો બીજી બાજુ આસપાસના લોકો પણ ઘટના સ્થળ પર પહોંચી બસમાં ફસાયેલા ઘાયલ મુસાફરોને બહાર કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા.
આ ઘટનાની જાણ સ્થાનિકોને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખને કરી હતી જેથી તેઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ઘાયલ મુસાફરોને સારવાર માટે મોકલવાની વ્યવસ્થામાં લાગી ગયા હતા અને તુરંત તેઓએ 108ને ફોન કરી ઘાયલ મુસાફરોને ડેડીયાપાડાની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. મુસાફરો વધુ હતા એટલે 108ની સાથે સાથે એમણે પોતાનાં ખાનગી વાહનમાં અને અન્ય ખાનગી વાહનો કરી મુસાફરોને સારવાર અર્થે ખસેડયા હતા.
જોકે રાજપીપલા અને ડેડીયાપાડા સિવિલ હોસ્પિટલમાં આ અકસ્માતની જાણ કરી વેહલી સારવાર ચાલુ કરવાની સૂચના આપી હતી. વધુ ઇજાગ્રસ્તને રાજપીપલા ખાતે રીફર કરવામાં આવ્યા. જયારે એસ.ટી બસમાં ડ્રાઇવર કંડકટર સાથે કુલ 58 જેટલા મુસાફરો હતા તેમજ વધુમાં ઘાયલ મુસાફરો પૈકી 4 વધુ ઘાયલ મુસાફરો અને બાઈક ચાલકને વધુ સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા છે, જ્યાં તેઓની હાલ સારવાર ચાલી રહી હતી. ઘટના અંગે ડેડીયાપાડા પોલીસને ટેલીફોનીક જાણ કરતા પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500