Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિશ્વમાં બીજા અને દેશમાં પહેલા ક્રમે મુંબઈ થયું સૌથી વધુ પ્રદૂષિત શહેર

  • February 16, 2023 

દેશનું આર્થિક પાટનગર મુંબઈ હવે ભારતનું પ્રદૂષણ કેપિટલ પણ બની ગયું છે. મુંબઈ હવે દેશનું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે. આ મોરચે તેણે દેશની રાજકીય રાજધાની દિલ્હીને હંફાવી દીધી છે. માયાનગરી મુંબઈ વિશ્વમાં હવે બીજા ક્રમનું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે. ભારત સહિત વિશ્વનાં મુખ્ય શહેરોની હવાની ગુણવત્તાનું મોનિટરિંગ કરતા સ્વીસ એર ટ્રેકિંગ ઈન્ડેક્સ આઈક્યુએરના ડેટા અનુસાર વિશ્વભરમાં પ્રદૂષિત શહેરોની યાદીમાં મુંબઈ બીજા ક્રમે છે. મુંબઈમાં છેલ્લા બે મહિનાથી ઉત્તરોત્તર પ્રદૂષણ વધી રહ્યું છે.






જયારે સવારે અને સાંજે સ્મોગના થર છવાય છે અને તેના લીધે વિઝિબિલિટી પણ અતિશય પુઅર બને છે. સતત ઝેરીલાં વાતાવરણના કારણે મુંબઈમાં શ્વસનતંત્ર સંબંધિત રોગો સહિત અન્ય બીમારીઓ વકરી હોવાની ચેતવણી છેલ્લા કેટલાય સમયથી તબીબી નિષ્ણાતો આપી રહ્યા છે. મુંબઈમાં પ્રદૂષણ વધી રહ્યું હોવાની ચિંતાનું પ્રતિબિંબ હવે સ્વીસ એર ટ્રેકિંગ ઈન્ડેક્સમાં પણ પડયું છે. હજુ ગઈ તા.29મી જાન્યુઆરીએ મુંબઈ વિશ્વનાં સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દસમાં ક્રમે હતું. પરંતુ બીજી ફેબુ્આરીએ તે વિશ્વમાં બીજા ક્રમનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું હતું.






તે પછીના દિવસે તનું સ્થાન ગબડયું હતું પરંતુ ફરી તા.8મી ફેબુ્આરીએ તે વિશ્વમાં બીજા ક્રમે આવી ગયું હતું. તેમજ તા.13મી ફેબુ્આરીનાં આંક અનુસાર તે ભારતનું સૌથી પ્રદૂષિત અને વિશ્વનું બીજા નંબરનું સૈૌથી પ્રદૂષિત શહેર બની ગયું હતું. સી.પી.સી.બી.નાં ડેટા અનુસાર મુંબઈમાં પાછળાં ત્રણ વર્ષોની સરખામણીએ આ શિયાળામાં નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન હવાની ગુણવત્તા  પુઅર અને વેરી પુઅર કેટેગરીમાં રહી હોય તેવા દિવસોનું પ્રમાણ બમણું થઈ ગયું છે. બોમ્બે આઈ.આઈ.ટી. તથા નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ અનુસાર મુંબઈની હવામાં 71 ટકા જેટલા પાર્ટિક્યુલેટ મેટર માટે બાંધકામો તથા રસ્તા પરની રજકણો જવાબદાર છે.





આ ઉપરાંત ફેક્ટરીઓ, પાવર પ્લાન્ટ, એરપોર્ટ તથા વેસ્ટ ડમ્પ સાઈટ્સના લીધે મુંબઈગરાઓના શ્વાસમાં બહુ જ ઝેરી હવા ઠલવાઈ રહી છે. આઇક્યુ એર એટલે કે સ્વીસ એર ટ્રેકિંગ ઈન્ડેક્સ રિઅલ ટાઈમ વર્લ્ડવાઈડ એક ક્વોલિટી મોનિટર છે. તે સેન્ટ્રલ પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડ તથા ગ્રીનપીસ અને યુએનઈપી સહિતની એજન્સીઓના સહયોગમાં ભારતની હવાની ગુણવત્તાનુ માપન કરે છે. ભારત કરતા પણ વધુ કડક યુએસ એર ક્વોલિટી ઈન્ડેક્સ અનુસાર શહેરોને આરોગ્ય પ્રદ, બિનઆરોગ્યપ્રદ તથા જોખમી એવી કેટેગરીઓમાં વહેંચવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application